Thu Apr 23 2026

Logo

ગ્વિન શોટવેલ:  ચંદ્ર પર AIને લઇ જવાનો ઈતિહાસ લખી રહી છે એક કમાલની એન્જિનિયર

2026-04-05 08:40:46
Author: રાજ ગોસ્વામી
Article Image

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

50 વર્ષ પછી, અમેરિકા ફરીથી ચંદ્ર પર જઈ રહ્યું છે- આ વખતે લાંબો સમય રહી શકાય તેવી ‘ઘર-વખરી’ સાથે  અને તેના માટે સાથે ‘ઘરની માલિકણ’ પણ હશે એક કેનેડિયન મહિલા અવકાશયાત્રી. આ ‘ઘર’ 21મી સદીનું હશે  એટલે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI પણ હશે. સંભવત: આ પ્રવાસ 2028માં થશે. 1969માં, અમેરિકાએ ચંદ્ર પર પગ મૂકીને ક્રાંતિ સર્જી હતી. હવે એ ક્રાંતિને નવી દિશા આપવામાં આવી રહી છે, જેનું લક્ષ્ય છે ચંદ્ર પર કાયમી ‘ઘર’ બનાવવું પછી ત્યાંથી મંગળ પર જવા માટેનો રસ્તો આસાન બનાવવો.

આ મિશનના કેન્દ્રમાં ગ્વિન શોટવેલ નામની 62 વર્ષની એક મહિલા બિઝનેસવુમન અને એન્જિનિયર છે. અમેરિકામાં આજકાલ આ મહિલાની બહુ ચર્ચામાં છે...  કેમ ન હોય! ‘નાસા’ને ફરીથી ચંદ્ર પર લઇ જવાના મિશનમાં ઈલોન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપની સક્રિય પાર્ટનર છે. અને ગ્વિન શોટવેલ તેની પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. 

ગ્વિનનું આજકાલ એક જ મહત્ત્વકાંક્ષી મિશન છે બે વર્ષના ગાળામાં એક એવી અત્યાધુનિક સ્ટારશિપ બનાવવી, જે લાંબો સમય સુધી મનુષ્યને ચંદ્ર પર રાખી શકે.

ઈલિનોઈસમાં જન્મેલી ગ્વિનની પાસે એન્જિનિયરિંગનો 40 વર્ષનો અનુભવ છે. તે પાંચ વર્ષની હતી ત્યારે તેણે નિલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર લઇ ગયેલા એપોલો-11 મિશનને ટેલિવિઝન પર જોયું હતું. તે વખતથી તેના બાળમાનસ પર અંતરિક્ષને લઈને ઘણું વિસ્મય હતું. એન્જિનિયરિંગનું ભણ્યા પછી, કારકિર્દીની શરૂઆતમાં તે જે દિવસે IBMમાં ઈન્ટરવ્યૂ આપવા ગઈ હતી, તે જ દિવસે સ્પેસ શટલ ચેલેન્જર તૂટી પડ્યું હતું. યુવાન ગ્વિન આ સમાચારથી એટલી વ્યથિત થઇ ગઈ હતી કે સરખી રીતે ઇન્ટરવ્યૂ આપી શકી નહોતી અને એ જોબ ન મળી.

એક ઇન્ટરવ્યૂમાં ગ્વિન કહે છે, મને બાળપણથી જ મશીનોમાં દિલચસ્પી હતી. હું ત્રીજા ધોરણમાં હતી અને મારી મા સાથે કારમાં જતી હતી, ત્યારે મને સવાલ થયો હતો કે તેનું એન્જિન કેવી રીતે કામ કરે છે. તે સમજવા માટે માએ મને એક પુસ્તક લાવી આપ્યું હતું અને પછી તો હું એન્જિન, ગિયર અને ડિફરેંશિયલ્સ પાછળ ગાંડી થઇ હતી. મને ખબર નથી એ પુસ્તક ક્યાં ગયું...પણ હાઇસ્કૂલમાં હું મહિલા એન્જિનિયરોને મળી હતી અને ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે હું એક મિકેનિકલ એન્જિનિયર બનીશ.

આપણે ત્યાં ભારતમાં જેમ છોકરાઓ એન્જિનિયર બનવાનાં સપનાં જુવે છે, તેમ અમેરિકાના યુવાનો રોકેટ બનાવવાની યોજનાઓ કરતા હોય છે. ઈલોન મસ્ક એવી જ મહત્ત્વાકાંક્ષા સાથે મોટો થયો હતો અને તેના જેવા જ ઉત્સાહી લોકોની સાથે ટીમ બનાવતો હતો. ગ્વિન શોટવેલ માઈક્રોકોઝમ નામની એક કંપનીના સ્પેસ સિસ્ટમ ડિવિઝનમાં ડિરેક્ટર હતી ત્યારે 2002માં ઈલોને તેને ‘સ્પેસએક્સ’માં આમંત્રી હતી.

આજે તે મસ્કનો ડાબો-જમણો બંને હાથ છે અને અંતત: મંગળ પર જવાના મસ્કના સપનાને સાકાર કરવા માટે મથી રહી છે. તેની સફર બતાવે છે કે કોઈપણ મોટા પરિવર્તન પાછળ માત્ર વિચાર પૂરતો નથી, તેને અમલમાં મૂકવાની ક્ષમતા અને અનુશાસન વધુ મહત્ત્વપૂર્ણ છે. ગ્વિને મેકેનિકલ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સ જેવાં કઠિન ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો છે, જ્યાં લાંબા સમય સુધી મહિલાઓની સંખ્યા મર્યાદિત રહી છે, પરંતુ તેણે આ પડકારને અવરોધ તરીકે નહીં, પણ પોતાની ઓળખ બનાવવા માટેનો માર્ગ બનાવ્યો હતો.
તે સમય એવો હતો, જ્યારે ‘સ્પેસએક્સ’ એક જોખમી સ્ટાર્ટઅપ હતી અને તેનું ભવિષ્ય અનિશ્ર્ચિત હતું. ગ્વિને માત્ર એક કર્મચારી તરીકે નહીં, પરંતુ એક એવા નિર્માતા તરીકે ત્યાં કામ કર્યું હતું, જેણે કંપનીની વ્યાપારિક વ્યૂહરચના, સરકારી કરારો અને સંચાલનની પાયાની રચના કરી હતી.

તેની સૌથી મોટી શક્તિ રહી છે, ટેક્નોલોજી અને મેનેજમેન્ટ વચ્ચે મજબૂત સેતુ બનવાની. જ્યારે એન્જિનિયરિંગ ટીમ્સ જટિલ તકનીકી સમસ્યાઓ ઉકેલી રહી હતી ત્યારે શોટવેલે ખાતરી કરી કે આ ઉકેલો યોગ્ય ગ્રાહક સુધી, યોગ્ય સમયમાં અને યોગ્ય કિંમત પર પહોંચે. 
તેણે ‘નાસા’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા હતા, જે કોઈ નવી કંપની માટે જીવનદાન સમાન હોય છે. આ રીતે તેણે સાબિત કર્યું કે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, પણ વ્યવસાયિક સમજ અને વાટાઘાટો કરવાનું કૌશલ્ય પણ એટલાં જ જરૂરી છે.

ગ્વિન શોટવેલનું જીવન મહિલાઓ માટે ખાસ પ્રેરણા સમાન છે. તેણે એવા ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરી, જે લાંબા સમય સુધી પુરુષપ્રધાન રહ્યો છે. અવકાશ ઉદ્યોગમાં કામ કરવું સહેલું નથી- તેમાં દીર્ઘદ્રષ્ટિ, વર્ષોનું આયોજન, વિશાળ રોકાણ અને નિષ્ફળતાઓમાંથી શીખવાની ક્ષમતા જોઈએ. ગ્વિન શોટવેલે વારંવાર સાબિત કર્યું છે કે તે માત્ર વર્તમાન નહીં, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. આ ગુણ ભારતીય યુવાઓ માટે ખાસ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આજની ઝડપી દુનિયામાં ધીરજ અને લાંબા ગાળાની વિચારસરણી ઘણીવાર ઓછી જોવા મળે છે.

ગ્વિન શોટવેલે પોતાના કાર્યથી સાબિત કર્યું કે પ્રતિભા અને સમર્પણ સામે કોઈ અવરોધ ટકી શકતો નથી. ભારતમાં પણ રિતુ કરીધાલ અને મુથૈયા વનિતા જેવી મહિલાઓ આ બદલાવનું પ્રતીક છે, પરંતુ તેમની વાર્તાઓને વધુ વ્યાપક રીતે પહોંચાડવાની જરૂર છે.

અહીં ગ્વિન શોટવેલ આપણને એ પણ શીખવે છે કે સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી- તે એક સિસ્ટમનું પરિણામ છે. તેણે અમેરિકાની એક એવી ઇકોસિસ્ટમમાં કામ કર્યું, જ્યાં શિક્ષણ, ઉદ્યોગ, સરકાર અને સમાજ, બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ સિસ્ટમ પરસ્પર વિરોધી નહીં, પૂરક તરીકે કામ કરે છે. અને એટલા માટે જ મસ્ક જેવો એક ખાનગી ઉદ્યોગસાહસિક રોકેટ બનાવી શકે છે અને શોટવેલ જેવી મહિલા એવી કંપનીનું સંચાલન કરી શકે છે.

ભારતે આ શીખવા જેવું છે. તેણે જો અસલી અર્થમાં વિશ્વગુરુ બનવું હશે, તો તેની બધી સિસ્ટમને આપસમાં જોડવી પડશે. જ્યારે શાળાઓમાં જિજ્ઞાસા ઊભી થશે, કોલેજોમાં તેને દિશા મળશે અને ઉદ્યોગમાં તેને અવસર મળશે ત્યારે જ આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકીશું.

ગ્વિન શોટવેલની કહાની માત્ર એક વ્યક્તિની સફળતાની કહાની નથી, પરંતુ તે એક એવી વિચારસરણીની કહાની છે, જે સપનાઓને હકીકતમાં બદલવાની શક્તિ ધરાવે છે. ભારતના યુવાઓ માટે, ખાસ કરીને જે મોટાં સપનાં જુએ છે, પરંતુ તેમનો માર્ગ સ્પષ્ટ નથી, ગ્વિન શોટવેલ એક માર્ગદર્શક સમાન છે. તે સાબિત કરે છે કે મોટા પરિવર્તન માટે માત્ર કલ્પના નહીં, પરંતુ સતત મહેનત, યોગ્ય વ્યૂહરચના અને ધીરજ જરૂરી છે.