Sun Jul 26 2026

Logo

દિલ્હી-NCRમાં વરસાદ, યુપી-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું એલર્ટ, જાણો મહારાષ્ટ્રની સ્થિતિ

2026-07-17 08:25:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: હવામાન વિભાગે 17 જુલાઈએ દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના ઘણા વિસ્તારોમાં શુક્રવારે સવારે વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 10 થી 15 કલાકમાં યુપી, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણ (ડિપ્રેશન) ના કારણે ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ શુક્રવારે સારો વરસાદ થઈ શકે છે. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે

બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે શુક્રવાર એટલે કે 17 જુલાઈથી ધીમે-ધીમે ચોમાસાની વાપસીની શરૂઆત થઈ શકે છે. વરસાદ ન પડવાને કારણે સામાન્ય લોકોની સાથે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે પાકને પણ નુકસાન થવાની સંભાવના ઊભી થઈ રહી છે. આગામી 12 થી 15 કલાક ઘણા રાજ્યો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસું અત્યારે શાંત છે, પરંતુ પૂર્વીય અને પહાડી રાજ્યોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આથી અહીંના લોકો માટે હવામાન વિભાગ દ્વારા ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે અને ખરાબ હવામાનની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

યુપી-બિહાર સહિત આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે યુપી-બિહાર, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એમપી (મધ્ય પ્રદેશ) માં વરસાદનું પુનરાગમન થઈ ચૂક્યું છે અને ગુરુવારે સાંજે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. બિહાર-યુપીમાં પણ વરસાદ થઈ શકે છે. વરસાદ ન પડવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે.

મહારાષ્ટ્ર્માં કેવો રહેશે વરસાદ

ઉત્તર, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતને છોડીને દેશના બાકીના ભાગોમાં હજુ જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર 23 જુલાઇ સુધી મહારાષ્ટ્રમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. જ્યારે 24 થી 30 તારીખ સુધી સામાન્ય કે તેથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.