Thu Sep 10 2026

Logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 126 રસ્તા બંધ, કેદારનાથ યાત્રા પણ પ્રભાવિત

2026-07-13 11:37:00
Author: Vimal Prajapati
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 126 રસ્તા બંધ, કેદારનાથ યાત્રા પણ પ્રભાવિત

દહેરાદૂનઃ હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો, લગાતાર ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સ્થાનિકો સહિત પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ચાલો વિગતે જાણીએ...

ઋષિકેશ-યમુનોત્રી હાઈવે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભૂસ્ખલનના કારણે 2 નેશનલ હાઈવે સહિત 126 રસ્તા બંધ થઈ ગયાં છે. સ્યાનાચટ્ટીની પાસે ઋષિકેશ-યમુનોત્રી હાઈવે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો. નદીમાં પણ પાણીનું સ્તર વધી ગયું હોવાથી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં અનેક ગાડીઓ અને મશીનો નીચે દટાઈ ગયાં હતાં. આ સાથે તવાઘાટ-ગુંજી હાઈવે પણ ભૂસ્ખલનના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. 

ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા પ્રભાવિત

રૂદ્રપ્રયાગમાં પણ ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ છે. કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થતાં પહાડનો કાટમાળ નીચે હાઈવે પર આવી પડ્યો હતો. તંત્ર દ્વારા રસ્તો સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આગામી 24 કલાક સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરનો ખતરો છે. જેથી લોકોને સુરક્ષિત સ્થાને જવા માટે અપીલ કરવાાં આવી છે. 

 

બિહારના 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 

આગાહીની વાત કરવામાં આવે તો, બિહારમાં પટના સહિત 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે આગામી સાત દિવસ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અત્યારે ઉત્તર અને પૂર્વ ભારતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં પ્રવાસે જતા પહેલા હવામાન વિભાગની આગાહી ધ્યાને લેવી જરૂરી છે. કારણે કે, અત્યારે કેદારનાથ યાત્રા પણ વરસાદ અને ભૂસ્ખલનના કારણે પ્રભાવિત થઈ છે.