શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં વંદે માતરમના નવા ગાનને લઇને રાજકારણ ગરમાયુ છે. જેમાં ઇન્ડી ગઠબંધનના પક્ષો, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેના મતભેદ વચ્ચે ભાજપે ઓમર અબ્દુલ્લાના વખાણ કર્યા છે.
ભાજપ અને પીડીપીએ વિવાદ પર આકરી પ્રતિક્રિયા આપી
આ અંગે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષ નેશનલ કોન્ફરન્સ વચ્ચે એક કાર્યક્રમમાં 'વંદે માતરમ'ના સંપૂર્ણ સંસ્કરણના ગાનને લઈને ઉગ્ર રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપ અને પીડીપીએ વિવાદ પર આકરી પ્રતિક્રિયા આપી છે.
ટૂંકું સંસ્કરણ સ્વતંત્રતા સંગ્રામ સમયે પસંદ કરવામાં આવ્યું હતું
આ અંગે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક્સ પર જણાવ્યું હતું કે, 'વંદે માતરમ'નું સંપૂર્ણ સંસ્કરણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ કલ્પના કરેલી અને ભારત માટે જે સર્વસમાવેશક અને વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો તેની સાથે સુસંગત નથી. તેમણે જણાવ્યું કે આ ગીતનું ટૂંકું સંસ્કરણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જાણી જોઈને પસંદ કરવામાં આવ્યું હતું જેથી સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન ના થાય.
રાજકીય પક્ષ તરીકે નેશનલ કોંગ્રેસનું વલણ બદલાયું નથી
જ્યારે નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસના વલણનો વિરોધ કર્યો હતો. આ અંગે પાર્ટીના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે જણાવ્યું કે રાજકીય પક્ષ તરીકે નેશનલ કોંગ્રેસનું વલણ બદલાયું નથી. તેમણે ન તો બે પંક્તિના ગીતને સમર્થન આપ્યું છે કે ન તો છ પંક્તિના ગીતને અપનાવ્યું છે.
સંસદ કાયદો પસાર કરે છે તે એક કાનૂની જવાબદારી
તનવીરે કહ્યું, જોકે, એકવાર સંસદ કાયદો પસાર કરે છે તે એક કાનૂની જવાબદારી બની જાય છે જેનું તમામ સરકારી કાર્યક્રમોમાં પાલન કરવું આવશ્યક છે. તેથી કાયદા અનુસાર સંપૂર્ણ ગીત સત્તાવાર કાર્યક્રમોમાં ગવાય છે.