Wed Jun 10 2026

Logo

મિડલ-ઈસ્ટ યુદ્ધ: કુવૈતના પાવર સ્ટેશન પર ઈરાનનો હુમલો! એક ભારતીયનું મોત

Tehran   2026-03-30 08:38:00
Author: Devayat Khatana
Article Image

કુવૈત સિટી/તેહરાન: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગમાં હવે પાડોશી દેશોને પણ ઝપેટમાં લીધા છે. ઈરાન દ્વારા કુવૈતના પાવર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનમાંમાં એક ભારતીય કામદારનું  મોત નીપજ્યું હોવાનું કુવૈતના વીજ મંત્રાલયે પુષ્ટિ કરી હતી.  હુમલામાં પાવર સ્ટેશનની  ઈમારતને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના ઉત્તરી પ્રાંતમાં આવેલી તબરીઝ પેટ્રોકેમિકલની ફેસિલિટી પર પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો, જોકે સદનસીબે ત્યાંથી કોઈ જોખમી પદાર્થો લીક થયા નથી.

લેબનોનમાં તૈનાત યુનાઈટેડ નેશન્સ ફોર્સે રવિવારે મોડી રાત્રે તેમના એક શાંતિ રક્ષકના મોતની પૃષ્ટી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના નિવેદન અનુસાર, એક ગોળા તેમના કેમ્પ પર પડતા આ ઘટના બની હતી. હાલ આ હુમલો કોણે કર્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને એક મહિનાનો સમય થઈ ગયો છે. જો કે હવે ઈરાન વધુ આક્રમક થતું જોવા મળી રહ્યું છે. ઈરાનના સંયુક્ત સૈન્ય કમાન્ડના પ્રવક્તાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે હવે અમેરિકા અને ઇઝરાયેલના અધિકારીઓના ખાનગી નિવાસો પણ ઈરાન માટે સત્તાવાર સૈન્ય લક્ષ્યાંકો ગણાશે. આ નિવેદન બાદ સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે અને યુદ્ધ વધુ વ્યાપક અને ભયાનક બનવાની ભીતિ સેવાઈ રહી છે.

આ યુદ્ધમાં હવે હુતી બળવાખોરોની પણ એન્ટ્રીથી વિશ્વની ચિંતામાં વધારો થયો છે. જો હુતીઓ લાલ સમુદ્રમાં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરશે, તો વિશ્વના અંદાજે 12 ટકા વેપાર પર તેની માઠી અસર પડી શકે છે. અમેરિકા અને ઇઝરાયેલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યા છે, જ્યારે ઈરાન તેના વળતા હુમલાઓ દ્વારા ઇઝરાયેલ અને પડોશી અખાતી દેશોને નિશાન બનાવી રહ્યું છે, જે વૈશ્વિક શિપિંગ અને સપ્લાય ચેઈન માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે.