નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યા બાદ ભારત માટે ક્રુડ ઓઈલ અને એલપીજી ગેસનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યો છે. તેવા સમયે ભારતના ઇથેનોલ ઉદ્યોગે કેન્દ્ર સરકારને સમક્ષ મોટી માંગણી કરી છે. જેમાં અનાજમાંથી ઇથેનોલ બનાવતી કંપનીના એસોસિએશને ઇંધણમાં ઉમેરવા આવતા 20 ટકા ઈથેનોલની મર્યાદા વધારીને 30 ટકા કરવાની માંગ કરી છે.
ઇથેનોલ સંચાલિત ચૂલાનો ઉપયોગ કરવાની શક્યતાઓ
હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારતે ક્રુડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. તેથી યુદ્ધને કારણે પુરવઠામાં ઘટાડો અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું જોખમ છે. આ ઉપરાંત ઘરેલું રસોઈ ગેસ (LPG)ના વિકલ્પ તરીકે રસોઈ માટે ઇથેનોલ સંચાલિત ચૂલાનો ઉપયોગ કરવાની શક્યતાઓ પણ શોધવી જોઈએ.
અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ પણ બચાવી શકે
ઇથેનોલ ઉત્પાદકોના સંગઠન ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને જણાવ્યું છે કે ઉદ્યોગ હવે 20 ટકા થી વધુ આપવા માટે તૈયાર છે. AIDA ની આ ઓફર દેશને માત્ર ક્રુડ ઓઈલ સંકટમાંથી જ બચાવી શકતી નથી. પરંતુ અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ પણ બચાવી શકે છે.
ઇથેનોલ ઉમેરવાની મર્યાદા 20 ટકા થી વધારીને 30 ટકા કરવાની માંગ
એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ ઉદ્યોગને નુકસાન પહોંચાડ્યા વિના પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાની મર્યાદા 20 ટકા થી વધારીને 30 ટકા કરી શકાય છે. જો સરકાર આ મિશ્રણમાં વધારો કરશે તો તેલ કંપનીઓ 2000 મિલિયન લિટર વધારાનું ઇથેનોલ ખરીદી શકશે. જેનાથી ફેક્ટરીઓ ની કામગીરી વધશે અને લોકોને રોજગાર પણ મળશે.
ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 2000 કરોડ લિટર
ભારત ઇથેનોલ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યું છે. હાલમાં દેશની કુલ ઉત્પાદન ક્ષમતા લગભગ 2000 કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં 380 થી વધુ ડિસ્ટિલરીઓ કાર્યરત છે અને 33 નવા યુનિટ કાર્યરત છે. આટલી મોટી ક્ષમતાનો ઉપયોગ કરીને, ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટાડી શકે છે.