Fri Sep 04 2026

Logo

ઈરાનનો અમેરિકાને જવાબ: "જો પાવર પ્લાન્ટ પર હુમલો થયો, તો હોર્મુઝનો માર્ગ કાયમ માટે બંધ"

Tehran   2026-03-23 08:28:00
Author: Devayat Khatana
ઈરાનનો અમેરિકાને જવાબ: "જો પાવર પ્લાન્ટ પર હુમલો થયો, તો હોર્મુઝનો માર્ગ કાયમ માટે બંધ"

તહેરાન: મિડલ ઈસ્ટ યુદ્ધ આજે 24માં દિવસે પહોંચી ગયું છે પણ શાંતિના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયલ સાથેનું યુદ્ધ ઘટવાને બદલે દિવસે દિવસે વધતું જઇ રહ્યું છે. આ સ્થિતિની વચ્ચે હોર્મુઝની ખાડી સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બની છે. હોર્મુઝ મુદ્દે અમેરિકાએ ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે જો આગામી 48 કલાકમાં હોર્મુઝને ખોલવામાં નહિ આવે તો અમેરિકા ઈરાનના વીજ મથકોને તબાહ કરી દેશું. આ ધમકીના જવાબમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, તો ઈરાન હોર્મુઝની ખાડીને 'સંપૂર્ણપણે' બંધ કરી દેશે. ઈરાને ચેતવણી આપી છે કે તેઓ આ વિસ્તારના મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડશે. રાષ્ટ્રપતિ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઈરાનને નકશા પરથી મિટાવવાનો ભ્રમ રાખનારાઓને યુદ્ધના મેદાનમાં જ જડબાતોડ જવાબ આપવામાં આવશે.
 

બીજી તરફ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝની ખાડી હાલમાં બંધ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈઝરાયેલ અને અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધના ડરને કારણે વીમા કંપનીઓ જહાજોને આ માર્ગ પર મોકલતા ખચકાઈ રહી છે. અરાઘચીએ જણાવ્યું કે આ જળમાર્ગ પર વધતા જોખમ માટે સીધી રીતે અમેરિકા અને ઈઝરાયેલ જવાબદાર છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ ધમકીથી ઈરાન પ્રભાવિત થશે નહીં અને આ માર્ગ માત્ર એવા લોકો માટે બંધ છે જેઓ ઈરાનની ધરતીનું ઉલ્લંઘન કરવા માંગે છે.

યુદ્ધની ભયાનકતાના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં ૪,૬૯૭ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈરાન સામેના યુદ્ધમાં ઘાયલ થયેલા સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત ગંભીર છે. આમ, ૨૪માં દિવસે પણ મિડલ-ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી રહી છે અને વિશ્વની નજર હવે ૪૮ કલાકની ડેડલાઈન પર ટકેલી છે.