Sun Sep 06 2026

Logo

વાનખેડેમાં મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરી, વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યા ઇમ્પૅક્ટ પ્લેયર

2026-03-29 19:36:22
Author: Ajay Motiwala
વાનખેડેમાં મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરી, વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યા ઇમ્પૅક્ટ પ્લેયર

IPL


મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ અહીં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની આઇપીએલ-19 સીઝનની મૅચમાં ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાને પ્રથમ બૅટિંગમાં 200 રનની આસપાસનું ટોટલ નોંધાવવાનો મોકો છે, જ્યારે મુંબઈને લક્ષ્યાંક ચેઝ કરીને વિજય મેળવવાની સાથે (શનિવારે જેમ બેંગ્લૂરુએ હૈદરાબાદ સામે જીતીને બહુમૂલ્ય બે પૉઇન્ટ મેળવ્યા એ રીતે) બે પૉઇન્ટ મેળવવાનો મોકો છે.

હાર્દિકે કહ્યું હતું કે `વાનખેડે અમારો ગઢ છે અને પિચ ઘણી સારી છે. અમે અહીં સામાન્ય રીતે જેટલા ઘાસવાળી પિચ પર રમતા હોઈએ છીએ એના કરતાં વધુ ઘાસ પિચ પર છે. ક્રાઉડનો જબરદસ્ત સપોર્ટ મળશે એટલે અમે પૂરી ક્ષમતાથી પર્ફોર્મ કરીને તેમનું મનોરંજન કરવા ઉત્સુક છીએ. જસ્સી (જસપ્રીત બુમરાહ) રમવાનો છે.' વર્લ્ડ કપ કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો સમાવેશ ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં કરાયો છે.

કોલકાતાની ટીમનો સુકાની અજિંક્ય રહાણે મુંબઈનો જ છે. તેણે કહ્યું, `મેં વાનખેડેની પિચ પર અગાઉ ક્યારેય આટલું બધુ ઘાસ નહોતું જોયું. અમે ટૉસ જીત્યા હોત તો અમે પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. અમારી ટીમમાં ચાર વિદેશી ખેલાડીમાં કૅમેરન ગ્રીન, બ્લેસિંગ મુઝરબાની, ફિન ઍલન અને સુનીલ નારાયણનો સમાવેશ છે.'

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફેન રુધરફર્ડ, નમન ધીર, શાર્દુલ ઠાકુર, મયંક માર્કન્ડે, એએમ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટ. (પાંચ ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ સૂર્યકુમાર યાદવ, કૉર્બિન બૉશ્ચ, રૉબિન મિન્ઝ, રાજ બાવા, અશ્વની કુમાર).

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), ફિન ઍલન, કૅમેરન ગ્રીન, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રૉય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની. (પાંચ ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ મનીષ પાન્ડે, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, રૉવમૅન પૉવેલ).