Fri Sep 04 2026

Logo

આજે પણ અમદાવાદ શહેરને મેઘરાજા ધમરોળશે; હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, શાળા-કોલેજોમાં રજા

2026-07-25 08:36:00
Author: Vimal Prajapati
આજે પણ અમદાવાદ શહેરને મેઘરાજા ધમરોળશે; હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, શાળા-કોલેજોમાં રજા

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.  તેવામાં આજે પણ અમદાવાદમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના ઘણાં વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે શહેરીજનોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

અમદાવાદની તમામ સ્કૂલો-કોલેજોમાં આજે રજા જાહેર

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સાથે કલેક્ટરના આદેશથી અમદાવાદની તમામ સ્કૂલો-કોલેજોમાં 25 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે AMC સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તારીખ 27 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.  પરિપત્ર પ્રમાણે આજે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની તમાણ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ, ફોન અને વોટ્સએપ દ્વારા જાણ કરી દેવામાં આવી છે. આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. 

શહેરમાં સરેરાશ 20 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેરમાં તારીખ 23 અને 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેથી શહેરમાં સરેરાશ 20 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીમાં તરબોળ થયું હતું. અનેક સોસાયટીઓના બેઝમેન્ટમાં પણી ભરાઈ ગયાં હતાં. શહેરના અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ સ્થિતિને જોતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બોપલ-આંબલી વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં હતાં.