સુખનો પાસવર્ડ - આશુ પટેલ
મેરિલ સ્ટ્રીપ
થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક યુવાન વાચક મળી ગયો. તેણે કહ્યું કે મારે અભિનયક્ષેત્રે આગળ વધવું છે એટલે મારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા મુંબઈ આવવું છે, પરંતુ સફળતા ન મળે તો શું કરવું એ ચિંતા મને સતાવે છે. હું અત્યારે નોકરી કરું છું. મારે મુંબઈ આવવું હોય તો અત્યારની નોકરી છોડવી પડે અને નવી નોકરી શોધવી પડે. ત્યાં મને અત્યારે મળે છે એટલો પગાર ન મળી શકે તો મારા માટે મુંબઈમાં ટકી રહેવાનું મુશ્કેલ થઈ જાય....
તેની વાત સાંભળીને મેં તેને કહ્યું કે કશું પણ કામ શરૂ કરતી વખતે પોતાની જાતમાં શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘રોતો જાય તે મૂઆના જ ખબર લાવે’ એટલે તારે મક્કમ મનોબળ સાથે આગળ વધવું જોઈએ અને સંઘર્ષની માનસિક તૈયારી સાથે જ મુંબઈ આવવું જોઈએ. હા, તારે જો સલામતી જોઈતી હોય તો નોકરી ન છોડવી જોઈએ...
એ પછી મેં તેને હોલિવૂડની ગઈ સદીની એક અભિનેત્રીનો કિસ્સો કહ્યો. હોલીવૂડના ફિલ્મ નિર્માતા ડિનો દ લોરેન્ટિસે 1976માં ‘કિંગ કોન્ગ’ ફિલ્મ પ્રદર્શિત કરી હતી. લોરેન્ટિસે એ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી એ ફિલ્મનાં પાત્રો માટે કલાકારોના ઑડિશન લેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં લૉરેન્ટિસના પુત્રએ એક નાટક જોયું હતું. એ નાટકમાં એક અભિનેત્રીનો અભિનય જોઈને તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે પિતાને સૂચન કર્યું કે આ અભિનેત્રીને આપણી નવી ફિલ્મની હીરોઈન બનાવવી જોઈએ.
લૉરેન્ટિસે પુત્રના આગ્રહથી પેલી અભિનેત્રીને ઑડિશન માટે બોલાવી, પણ તે અમેરિકન અભિનેત્રી ઑડિશન માટે પહોંચી ત્યારે તેને જોઈને લૉરેન્ટિસ અકળાઈ ઊઠ્યા. અભિનેત્રી અમેરિકન હતી એટલે લોરેન્ટિસે અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષા ઈટાલિયનમાં પુત્રને ખખડાવી નાખ્યો : ‘બેવકૂફ, આવી કદરૂપી છોકરીને તું હીરોઈન બનાવવા મારી પાસે ઉપાડી આવ્યો?’
પેલી અમેરિકન અભિનેત્રીએ ઈટાલિયન ભાષામાં કહ્યું, ‘હું તમારી ફિલ્મ માટે પસંદ થઈ શકું એટલી સુંદર નથી એ માટે હું દિલગીર છું!’ ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસ સડક થઈ ગયા. તેમને કલ્પના પણ નહોતી કે તે અમેરિકન અભિનેત્રી ઈટાલિયન ભાષા જાણતી હશે, પણ પેલી અભિનેત્રી અકળાયા વિના સ્મિત કરીને જતી રહી.
લૉરેન્ટિસે ‘કિંગ કોન્ગ’ ફિલ્મ માટે પોતાને હીરોઈન તરીકે પસંદ ન કરી અને ઉપરથી કદરૂપી યુવતી ગણાવી એથી તે યુવતી થોડા દિવસો અપસેટ રહી, પણ પછી તેણે હોલિવૂડમાં અભિનયની તક શોધવા માંડી. ‘કિંગ કોન્ગ’ ફિલ્મ રિલીઝ થઈ એ પછી બીજા વર્ષે એટલે કે 1977માં તેને ‘જુલિયા’ ફિલ્મમાં અભિનયની તક મળી અને હોલિવૂડમાં તેનું નામ જાણીતું થવા માંડ્યું. 1979માં તેને ખ્યાતનામ અભિનેતા ડસ્ટિન હોફમેન સાથે ‘ક્રેમર વર્સસ ક્રેમર’ ફિલ્મમાં ચમકવાની તક મળી અને એ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ‘નો એવોર્ડ પણ મળ્યો.
એ પછી તો તે અભિનેત્રી પાછળ પ્રેક્ષકો પાગલ બન્યા. તેનાં સૌંદર્યને કારણે લાખો યુવાનો તેના ચાહક બની ગયા. તે યુવતીએ તેના સૌંદર્ય અને અભિનય પ્રતિભાના જોરે ત્રણ ત્રણ ઓસ્કર એવોર્ડ અને આઠ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત કુલ 15 એવોર્ડ જીત્યા. તે ઓસ્કર માટે 19 વાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે 29 વાર નોમિનેટ થઈ અને તેને કુલ 402 વખત એવોર્ડ માટે નોમિનેશન મળ્યું. જીવનના સાત દાયકા વિતાવ્યા પછી પણ તેને સતત ફિલ્મ્સ મળતી રહી!
તે યુવતી એટલે જગવિખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ!
હા, મેરિલ સ્ટ્રીપને કદરૂપી ગણીને ‘કિંગ કોન્ગ’ ફિલ્મમાં અભિનયની તક આપવાની ના પાડવામાં આવી હતી એ જ મેરિલ સ્ટ્રીપે અભિનય પ્રતિભા થકી હોલિવૂડમાં આગવું સ્થાન બનાવ્યું.
મેરિલ સ્ટ્રીપને પોતાની અભિનય પ્રતિભામાં શ્રદ્ધા હતી એટલે તે હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી બની શકી.
આમ પોતાની જાતમાં શ્રદ્ધા હોય અને સંઘર્ષ કરવાની તૈયારી હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ અટકાવી શકતા નથી, પણ જો પોતાની જાત પર શ્રદ્ધા ન હોય તો માણસને નિષ્ફળતાથી વિશેષ કંઈ ન મળે એવી પૂરી શક્યતા છે.