લંડનઃ કોઈ વિદેશી ભૂતપૂર્વ ક્રિકેટરને કોઈ અન્ય દેશ પોતાની નૅશનલ ટીમનો હેડ-કોચ બનાવે કે કોચિંગ-સ્ટાફમાં સામેલ કરે એવું ઘણી વખત બની ગયું છે, પરંતુ કોઈ દેશ પોતાની ટીમ સિલેક્ટ કરવા માટેની સિલેક્શન કમિટીમાં કોઈ વિદેશી પ્લેયરને સિલેક્ટર તરીકે સામેલ કરે એ તો નવાઈ જ કહેવાય. ઇંગ્લૅન્ડે આવું કર્યું છે. બ્રિટિશ ક્રિકેટના મોવડીઓએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન માર્કસ નૉર્થને ઇંગ્લૅન્ડની સિલેક્શન કમિટીમાં સામેલ કર્યો છે.
ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ બૅટ્સમૅન બે્રન્ડન મૅક્લમ ઘણા સમયથી ઇંગ્લૅન્ડનો હેડ-કોચ છે. હવે ઑસ્ટ્રેલિયાના માર્કસ નૉર્થને ઇંગ્લૅન્ડનો સિલેક્ટર બનાવાયો છે. તે ઇંગ્લૅન્ડની નૅશનલ ટીમના ખેલાડીઓ તેમ જ યુવા ટીમના પ્લેયર્સ પસંદ કરવામાં સિલેક્શન કમિટીને મદદ કરશે.
46 વર્ષીય માર્કસ નૉર્થ 2009-`10 દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી 21 ટેસ્ટ, બે વન-ડે અને એક ટી-20 રમ્યો હતો. તે લેફ્ટ-હૅન્ડ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન હતો. તેણે કુલ 1,200 જેટલા રન કર્યા હતા અને કુલ 14 વિકેટ લીધી હતી. તે ઇંગ્લૅન્ડની છ કાઉન્ટી ટીમ વતી પણ રમ્યો હતો. ડર્હામમાં તેણે ઇંગ્લૅન્ડના વર્તમાન કૅપ્ટન બેન સ્ટૉક્સ સાથે કામ કર્યું હતું.
ઇંગ્લૅન્ડનો થોડા સમય પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ ટેસ્ટ શ્રેણીમાં 1-4થી પરાજય થયો એને પગલે ઇંગ્લૅન્ડની સિલેક્શન કમિટીમાં અને ટીમમાં ધરખમ ફેરફાર કરવાનું નક્કી કરાયું હતું. માર્કસ નૉર્થ (Marcus North)ને લ્યૂક રાઇટના સ્થાને સિલેક્ટર બનાવાયો છે. એવા આક્ષેપો હતા કે ઇંગ્લૅન્ડ (England)ની સિલેક્શન (selection) કમિટી કેટલાક કાઉન્ટીના ટૅલન્ટેડ ખેલાડીઓને અવગણી રહી હતી અને એટલે જ ઍશિઝમાં ઇંગ્લૅન્ડનો ઘોર પરાજય થયો હતો.
ન્યૂ ઝીલૅન્ડ સામેની રમશે ઇટલીનો ક્રિકેટર!
ઇંગ્લૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ચોથી જૂને ત્રણ ટેસ્ટની સિરીઝ શરૂ થશે. ચોથી જૂને શરૂ થનારી ટેસ્ટ માટેની ઇંગ્લૅન્ડની ટીમ જાહેર કરાઈ છે. આ ટીમમાં આઉટ-ઑફ-ફૉર્મ બૅટ્સમેન ઝૅક ક્રૉવ્લી અને ઑલી પોપને સામેલ નથી કરવામાં આવ્યા. બીજી નવાઈ એ વાતની છે કે ઇટલી વતી બે વર્ષથી મર્યાદિત ઓવર્સની મૅચોમાં રમતા એમિલિયો ગેને ઇંગ્લૅન્ડની ટીમમાં સ્થાન મળ્યું છે. એમિલિયોના મમ્મીનો જન્મ ઇટલીમાં થયો હતો.
પ્રથમ ટેસ્ટ માટેની ઇંગ્લૅન્ડની આ ટેસ્ટ ટીમઃ
બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, જૅકબ બેથેલ, બેન ડકેટ, જૅમી સ્મિથ, જૉશ ટન્ગ, રેહાન અહમદ, ગસ ઍટકિન્સન, સૉની બેકર, શોએબ બશીર, મૅથ્યૂ ફિશર, એમિલિયો ગે, જેમ્સ ર્યૂ, ઑલી રૉબિન્સન.