મુંબઈ: ભારતીય પ્રાદેશિક સિનેમા અને ખાસ કરીને મરાઠી ફિલ્મ ઉદ્યોગ માટે ગર્વ લેનારા સમાચાર જાણવા મળ્યા છે. જાણીતા મરાઠી અભિનેતા પ્રસાદ પ્રભાકર ઓકે પોતાની અભિનય ક્ષમતાના જોરે વિશ્વ સ્તર પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઈંગ્લેન્ડની 'ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ' (Global Book of Excellence) દ્વારા સત્તાવાર રીતે પ્રસાદ ઓકનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ સન્માન તેમને એક જ મરાઠી ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે સૌથી વધુ એવોર્ડ મેળવવા બદલ આપવામાં આવ્યું છે.
પ્રસાદ ઓકની આ ઐતિહાસિક સફળતા પાછળ વર્ષ 2022માં રિલીઝ થયેલી સુપરહિટ મરાઠી ફિલ્મ 'ધર્મવીર' (Dharamveer) છે. આ ફિલ્મમાં શાનદાર પ્રદર્શન માટે પ્રસાદને અલગ-અલગ મંચ પરથી કુલ 15 બેસ્ટ એક્ટર એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. આ સિદ્ધિ અગાઉ 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં પણ સ્થાન પામી ચૂકી છે.
આ રેકોર્ડ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે મરાઠી સ્ટોરી અને પાત્રાલેખનની ઉચ્ચ ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત કરે છે. વર્ષોની મહેનત બાદ મળેલી આ માન્યતાએ પ્રસાદ ઓકના કરિયરને નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે.
આ ફિલ્મમાં પ્રસાદ ઓકે મહારાષ્ટ્રના લોકપ્રિય નેતા આનંદ દિઘેનું પાત્ર ભજવ્યું હતું. પ્રસાદે જણાવ્યું હતું કે આ પાત્ર ભજવવું એ તેમના માટે એક મોટી જવાબદારી હતી, કારણ કે લાખો લોકો આનંદ દિઘેને ભગવાનની જેમ પૂજે છે.
નોંધનીય બાબત એ છે કે, પ્રસાદ ઓક ક્યારેય આનંદ દિઘેને રૂબરૂ મળ્યા નહોતા. પાત્રને આબેહૂબ ન્યાય આપવા માટે તેમણે જૂના ફોટોગ્રાફ્સ, વીડિયો ફૂટેજ અને તેમની નજીકના લોકો સાથે કલાકો સુધી વાતચીત કરી હતી. તેમની ચાલવાની ઢબ, બોલવાની શૈલી અને ઝીણી ઝીણી વાત પર નોટ્સ બનાવીને તેમણે આ પાત્રને પડદા પર જીવંત કર્યું હતું.
પોતાની સફળતા વિશે વાત કરતા પ્રસાદ ઓક ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, "મારી પાસે શબ્દો નથી. ધર્મવીર મારી 96મી ફિલ્મ હતી, અને આટલા લાંબા કરિયર પછી મને પહેલીવાર 'ટાઈટલ રોલ' કરવાની તક મળી.
જોકે મને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ ન મળતા થોડું દુખ થયું હતું, પરંતુ ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મળેલું આ સ્થાન મારા માટે નેશનલ એવોર્ડથી ઓછું નથી." આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ભારે સફળ રહી હતી અને તેની લોકપ્રિયતાને જોતા તેની સીક્વલ (ભાગ-2) પણ બનાવવામાં આવી છે.