Fri Sep 04 2026

Logo

મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગેના સરકાર પર આકરા પ્રહાર: ‘ચોખ્ખા શબ્દોમાં કહી દો નહીં મળે, તો બીજા રાજ્યમાં જતા રહીએ’

2026-08-24 19:19:06
Author: Mumbai Samachar Team
મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગેના સરકાર પર આકરા પ્રહાર: ‘ચોખ્ખા શબ્દોમાં કહી દો નહીં મળે, તો બીજા રાજ્યમાં જતા રહીએ’

મુંબઈ/જાલના: રાજ્યમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી એકવાર ગરમાવાની શક્યતા છે અને મનોજ જરાંગે 29 ઓગસ્ટથી ફરી ભૂખ હડતાળ પર બેસવાના છે.  ભૂખ હડતાળ પર ન બેસવા માટે સમજાવવા આવેલા રાજ્ય સરકારના ત્રણ પ્રધાન સામે જરાંગે ક્રોધે ભરાયેલા જોવા મળ્યા હતા. જો શિંદે સમિતિને 58 લાખ રેકોર્ડ મળ્યા છે તો તેમને કુણબી પ્રમાણપત્ર કેમ આપવામાં આવી રહ્યા નથી? 

મરાઠાઓને તેમની યોગ્ય અનામત ક્યારે આપવામાં આવશે? મનોજ જરાંગેએ આ સવાલો કરી પ્રધાન સમક્ષ આંકડા રજૂ કર્યા. આ રેકોર્ડમાં જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમના પ્રમાણપત્રો હવે ફરીથી રદ કરવામાં આવ્યા હોવાથી જરાંગે પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

રાજ્યના વરિષ્ઠ પ્રધાનો રાધાકૃષ્ણ વિખે પાટીલ, શંભુરાજ દેસાઈ, ઉદય સામંત અને વિધાન સભ્ય પ્રસાદ લાડનું એક પ્રતિનિધિમંડળ અંતરવાલી સરાટી પહોંચી ગયું છે અને મનોજ જરંગે સાથે ચર્ચા કરી છે. 
તે સમયે મનોજ જરાંગેએ નારાજ થઈ આરોપ કર્યો હતો કે મરાઠાઓને મળેલા  કુણબી પ્રમાણપત્ર ચંદ્રશેખર બાવનકુળે અને સંજય શિરસાટના કારણે રદ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ પર દબાણ લાવીને પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યા હતા.