Thu Aug 20 2026

Logo

મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, કહ્યું સાચા મતદારોના અધિકારો જોખમમાં

2026-03-31 16:59:00
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સીએમ મમતા બેનર્જીએ  મુખ્ય ચૂંટણી કમિશનર ને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં મોટા પાયે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે સાચા મતદારોના અધિકારોને જોખમમાં મૂકી શકે છે.

ભાજપનો મતદાર હાઇજેક કરવાનો પ્રયાસ

મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બંગાળમાં લોકોના લોકશાહી અધિકારો સામે એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિઓ હજારો બનાવટી ફોર્મ-6 અરજીઓ સબમિટ કરીને બહારના લોકોને મતદાર યાદીમાં દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા મતદાર હાઇજેક કરવાનો પ્રયાસ છે. મમતાએ દાવો કર્યો કે  આવી રણનીતિ અગાઉ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ઉપયોગમાં લેવામાં આવી હતી.

SIR પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

આ ઉપરાંત મમતા બેનર્જીએ ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 60 લાખથી વધુ સાચા મતદારો ચકાસણી પ્રક્રિયામાં અટવાયેલા છે. જ્યારે મોટી સંખ્યામાં ખોટી અરજીઓ ઝડપથી સ્વીકારવામાં આવી રહી છે. આ પ્રક્રિયાએ અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના જીવ લીધા છે આ અત્યંત ચિંતાજનક ગણાવી હતી.

સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન

તેમણે આરોપ લગાવ્યો કે આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે. તેમણે માંગ કરી હતી કે 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત અંતિમ યાદી પછી મતદાર યાદીમાં કોઈ નવા નામનો સમાવેશ ન થાય. મમતા બેનર્જીએ માંગ કરી હતી કે ચૂંટણી પંચ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને આ કથિત અનિયમિતતાને અટકાવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંગાળના લોકો કોઈપણ કિંમતે તેમના લોકશાહીને નબળી પાડવા દેશે નહીં.