કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાન મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે સીએમ મમતા બેનર્જીએ જૂનો ફોટો દર્શાવીને પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ ફોટાને ટાંકીને જણાવ્યું કે ફોટોમાં રાષ્ટ્રપતિ ઉભા છે ત્યારે વડાપ્રધાન બેઠા હોય તેવું દેખાય છે. અમે ક્યારેય આવું કરતા નથી. રાષ્ટ્રપતિનું અપમાન કરવાની સંસ્કૃતિ ભાજપની છેઅમારી નહીં. મમતાએ ઉમેર્યું, અમે રાષ્ટ્રપતિની ખુરશી અને ભારતના બંધારણનો સંપૂર્ણ આદર કરીએ છીએ.
રાજ્ય સરકારને કાર્યક્રમ અંગે જાણ ન હતી
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે જો કાર્યક્રમમાં કોઈ ગડબડ થઇ હોય તો તેની જવાબદારી ખાનગી આયોજકો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની છે. જેમણે સ્થળ પૂરું પાડ્યું હતું. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને રાષ્ટ્રપતિના કાર્યક્રમની માહિતી ન હતી અને ખાનગી આયોજકોએ તેમને જાણ પણ નહોતી કરી. તેમણે ઉમેર્યું હતું કે સ્થળ પર કથિત ગંદકી અને મહિલા શૌચાલયના અભાવની જવાબદારી ઇવેન્ટ મેનેજરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નારાજગી વ્યક્ત કરી
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બાગડોગરા એરપોર્ટ પર મુખ્યમંત્રી અને અન્ય કોઈ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ એક આંતરરાષ્ટ્રીય આદિવાસી સંમેલનમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. મુર્મુએ સિલિગુડી નજીક તેમના કાર્યક્રમના સ્થળમાં ફેરફાર અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
ટીએમસીએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો
ઉલ્લેખનીય છે કે, આજે પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે આજે દુનિયા આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહી છે, ત્યારે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકારે દેશના રાષ્ટ્રપતિનું ઘોર અપમાન કર્યું હતું. દ્રોપદી મુર્મુ સંથાલ સમુદાયના એક ઉત્સવમાં સામેલ થવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા, પરંતુ ત્યાં રાષ્ટ્રપતિનું અપમાન થયું. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બદલે ટીએમસીએ આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.