Sat Sep 05 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સઉદી પાકિસ્તાનના પડખામાં ભરાયું, ‘મુસ્લિમ નાટો’ના ભણકારા

2026-08-11 09:22:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ સઉદી પાકિસ્તાનના પડખામાં ભરાયું, ‘મુસ્લિમ નાટો’ના ભણકારા

ભરત ભારદ્વાજ

ભારતમાં હમણાં જેન-ઝીનાં આંદોલનોની મોસમ બરાબર જામેલી છે એટલે વૈશ્વિક સ્તરે બનેલી આપણી જ નહીં પણ આખી દુનિયાની ઊંઘ ઉડાડી દે એવી ઘટનાની બહુ ચર્ચા ના થઈ. આ ઘટના સઉદી અરેબિયા, તૂર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરાર છે. 7 ઑગસ્ટ 2026ના રોજ સઉદી અરેબિયાના મક્કા ખાતે પાકિસ્તાન, સઉદી અરેબિયા અને તૂર્કીએ ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ પર હસ્તાક્ષર કર્યા છે. 

મક્કાના અલ-સફા પેલેસ ખાતે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કરેલા આ કરાર મુજબ સઉદી, પાકિસ્તાન કે તૂર્કી એ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થશે તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે અને ત્રણેય દેશો સાથે મળીને તેનો જવાબ આપશે. મતલબ કે, સઉદી, તૂર્કી કે પાકિસ્તાન એ ત્રણેય દેશમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો કરનારા દેશે ત્રણેય દેશના લશ્કરનો સામનો કરવો પડશે. 

ભારત માટે આ ઘટના ઊંઘ ઉડાડી દેનારી છે કેમ કે પાકિસ્તાન આપણું મુખ્ય દુશ્મન છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદી સંગઠનો મારફતે પ્રોક્સી વોર લડે છે અને નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે. પાકિસ્તાનના આ આતંકવાદ સામે હવે ભરાત સર્જિકલ સ્ટ્રાઈક સહિતનાં કોઈ પણ લશ્કરી પગલાં લેશે તો તેનો જવાબ પાકિસ્તાન, સઉદી અને તૂર્કી ત્રણેય આપશે. સ્વાભાવિક રીતે જ આપણે પાકિસ્તાન સામે કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરીએ એટલે પછી પાકિસ્તાન વાતને માત્ર લશ્કરી કાર્યવાહી સુધી  સીમિત ના રાખે ને સઉદી સહિતના દેશો પર આર્થિક પ્રતિબંધો લાદવા માટે પણ દબાણ કરે જ. 

પાકિસ્તાન ગોઠિયું હોવાથી સઉદી તેની વાત માની શકે એ જોતાં ભારત પર આર્થિક ભીંસ પણ આવી શકે. તૂર્કી સાથે આપણે આર્થિક રીતે બહુ સારા સંબંધો નથી પણ સઉદી પાસેથી તો આપણે જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ ને લાખોની સંખ્યામાં ભારતીયો સઉદીમાં કામ કરે છે. ભારત મોટા પ્રમાણમાં સઉદીમાં નિકાસ પણ કરે છે ને સઉદી પાકિસ્તાનના રવાડે ચડીને આપણને દબાવવા જાય તો ભારતને આર્થિક ફટકો મારી શકે. 

આ સમાચાર આખી દુનિયાની પણ ઊંઘ ઉડાડનારા છે કેમ કે આ કરારને ‘મુસ્લિમ નાટો’ બનાવવાની દિશામાં પહેલું કદમ માનવામાં આવે છે. તૂર્કીના રાષ્ટ્રપતિએ ડહાપણ ડહોળ્યું છે કે, આ કરાર કોઈ દેશ વિરુદ્ધ નથી પણ યુએન ચાર્ટરની કલમ 51 મુજબ સ્વ-બચાવ અને પ્રાદેશિક શાંતિ માટે છે. પાકિસ્તાન, સઉદી અરેબિયા બંને તો એશિયાના દેશો છે ને તૂર્કીનો પણ મોટા ભાગનો વિસ્તાર એશિયામાં છે. 

એશિયામાં જે પણ અશાંતિ છે એ મુસ્લિમ રાષ્ટ્રો દ્વારા પોષાતા આતંકવાદના કારણે છે. આ આતંકવાદનો જડબાતોડ જવાબ માત્ર ઈઝરાયલ આપે છે કેમ કે આપણામાં તો એવી તાકાત નથી. ઈઝરાયલ પણ તેને છંછેડવામાં આવે ત્યારે જ હુમલો કરે છે તેથી બીજા કોઈ દેશ પર ખતરો નથી. મતલબ કે, આ ત્રણેય દેશો સલામત છે ને છતાં તેમણે આ કરાર કર્યા કેમ કે તેમને ‘મુસ્લિમ નાટો’ બનાવીને મોટા ભા બનવાની ખંજવાળ છે. 

પાકિસ્તાન, સઉદી અને તૂર્કી મળીને ‘મુસ્લિમ નાટો’ બનાવી શકે કેમ કે ત્રણેય દેશો અલગ અલગ રીતે તાકાતવર છે. સઉદી અરેબિયા પાસે મની પાવર છે અને આખી દુનિયાને પોતાના ઈશારે નચાવવા માટેનો પેટ્રોલ પાવર પણ છે. પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો છે. તૂર્કી પાસે સદીઓનો યુદ્ધો લડવાનો લશ્કરી અનુભવ અને અત્યંત વિકસિત સંરક્ષણ ઉદ્યોગ છે. દુનિયામાં સૌથી શક્તિશાળી મનાતાં ત્રણ મુસ્લિમ રાષ્ટ્રો એક થાય પછી નાનાં નાનાં મુસ્લિમ રાષ્ટ્રોને પોતાની તરફ વાળવાં બહુ આસાન છે. ‘મુસ્લિમ નાટો’  બનાવવા માટે વધારે શું જોઈએ? 

‘મુસ્લિમ નાટો’ના કારણે દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઊભો થઈ જાય એમ કહીએ તો પણ ચાલે. અમેરિકા અને યુરોપના દેશોએ સાથે મળીને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) બનાવ્યું છે. ‘નાટો’ના સભ્ય દેશોએ પોતાનું લશ્કર બનાવ્યું છે કે જે એટેક ઓન વન, એટેક ઓન ઓલ સિદ્ધાંત પર કામ કરે છે. મતલબ કે, નાટોના સભ્ય એવા એક દેશ પર હુમલો થાય તો તેને બધા દેશો પર હુમલો માનીને ‘નાટો’નું લશ્કર તેનો જવાબ આપે છે. આ કારણે વરસોથી ‘નાટો’ના સભ્ય એવા અમેરિકા અને યુરોપના દેશો પર હુમલો કરવાની કોઈ હિંમત જ કરતું નથી. 

સઉદી, તૂર્કી અને પાકિસ્તાનની સાથે બીજા મુસ્લિમ દેશો પણ જોડાય અને ભવિષ્યમાં ‘મુસ્લિમ નાટો’ બનાવાય તો પછી ભવિષ્યમાં કોઈ મુસ્લિમ દેશ પર કોઈ હુમલો જ ના કરી શકે. દુનિયામાં ઘણા મુસ્લિમ દેશો જિહાદના નામે આતંકવાદને પોષે છે. તેમના આતંકવાદથી ત્રસ્ત કોઈ દેશ તેમને કશું ના કરી શકે કે કહી ના શકે એવી સ્થિતિ થઈ જાય. 

પાકિસ્તાન, લેબેનોન, સીરિયા વગેરે દેશો ખુલ્લેઆમ આતંકવાદને પોષે છે પણ ‘મુસ્લિમ નાટો’ બની જાય તો તેમના આતંકવાદને મૂંગા મોંઢે સહન કરવા સિવાય કોઈ વિકલ્પ ના રહે. અમેરિકા તથા યુરોપના દેશો તો ‘નાટો’ની એકતાના કારણે સુરક્ષિત છે તેથી તેમને તો ’મુસ્લિમ નાટો’ ના છંછેડે પણ ભારત કે ઈઝરાયલ જેવા આતંકવાદથી સૌથી ત્રસ્ત દેશોનું તો આવી જ બને?

પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓને સાફ કરવા ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરે તેની સામે બધા મુસ્લિમ દેશો આપણી સામે મોરચો માંડી દે તો શું થાય એ વિચારવા જેવું છે. ઈઝરાયલ લેબેનોન પર હુમલા કરે ને ‘મુસ્લિમ નાટો’માં લેબેનોન હોય તો તેના બચાવ માટે બધા મુસ્લિમ દેશો કૂદી પડે તો શું થાય? ને એ સંજોગોમાં અમેરિકા ઈઝરાયલની વહારે આવે તો વિશ્વયુદ્ધ થઈ જાય કે બીજું કંઈ? ને સૌથી મોટો મુદ્દો એ કે, અત્યારે કંઈ નથી છતાં જિહાદના નામે દુનિયા આખીને પરેશાન કરતા મુસ્લિમ દેશો પાસે પાકિસ્તાનનો પરમાણુ બૉમ્બ આવે તો ફાટીને ધુમાડે જાય કે બીજું કંઈ? કોઈને હાથ મૂકવા દે ખરા? બિલકુલ ના મૂકવા દે એ જોતાં આ કરારથી દુનિયા પર ખતરો વધ્યો છે. 

સઉદી પાકિસ્તાનની પંગતમાં બેસી ગયું એ ભારતની વિદેશ નીતિની કારમી હાર છે. આપણે સઉદીને લટૂડાંપટૂડાં કરીને દોસ્ત ગણાવ્યા છીએ પણ આ કરારે સાબિત કર્યું છે કે, સઉદીને આપણી દોસ્તીમાં રસ નથી પણ જિહાદના નામે આતંકવાદને પોષતા પાકિસ્તાનને સાથી બનાવવામાં રસ છે. આ સંજોગોમાં ભારતે પણ સઉદી સાથેના સંબંધો વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નવા વિકલ્પો વિશે વિચારવું જોઈએ.