નવી દિલ્હી : ભારતમાં બેંકોના સતત વધતાં વ્યવહારોના પગલે કેન્દ્ર સરકારે તેના નિયમો અને કાયદામાં મોટા બદલાવની દિશામાં કવાયત હાથ ધરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં બેંકિંગ ક્ષેત્રમાં સુધારા હાથ ધરવા માટે એક હાઇ-પાવર કમિટીની રચના કરશે. જેની માટે બેંકરો પાસેથી નવા વિચારો અને સૂચનો પણ માંગવામાં આવ્યા છે.
સૂચનો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે
જાહેર ક્ષેત્રના બેંક કોન્ક્લેવ (PSB કોન્ક્લેવ 2026) ને સંબોધતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે આમાં આવેલા સૂચનો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કમિટી સૂચનો પર ચર્ચા કરશે અને બેંકિંગ ક્ષેત્રના ભવિષ્ય અંગે ભલામણો રજૂ કરશે. સરકારનો ઉદેશ આગામી બે દાયકામાં દેશની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ બેંકિંગ સિસ્ટમ બનાવવાનો છે.
નાણામંત્રીએ બેંકિંગ ક્ષેત્રના અધિકારીઓને સુધારા અંગે તેમના સૂચનો આપવા વિનંતી કરી હતી. સરકાર ઇચ્છે છે કે બેંકો ભવિષ્ય માટે જરૂરી ફેરફારો સ્પષ્ટ કરે અને ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરી શકે તેની રૂપરેખા આપે.
ભવિષ્યના સુધારા અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત
તેમણે જણાવ્યું કે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ અથવા બેડ લોન ઐતિહાસિક નીચા સ્તરે છે. જે બેંકિંગ ક્ષેત્રને ભવિષ્યના સુધારા અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
નાણાકીય ક્ષેત્રોના ભવિષ્ય સંબંધિત સાત મુખ્ય થીમ્સ ઓળખી કાઢી
સરકારે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રોના ભવિષ્ય સંબંધિત સાત મુખ્ય થીમ્સ ઓળખી કાઢી છે. જેમાં યુવાનો માટે બેંકિંગ સુવિધાઓ, રોકાણને પ્રોત્સાહન, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો, કૃષિ અને બાગાયતી ક્ષેત્રો, પ્રાથમિકતા ક્ષેત્રોને ધિરાણ અને ક્રેડિટ કાર્ડ વ્યવસાયમાં પરિવર્તનનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો કે નાણાકીય સેવાઓ વિભાગે, પ્રથમ વખત આ સાતેય વિષયો પર વિગતવાર રિસર્ચ દસ્તાવેજો તૈયાર કર્યા છે.
યુવાનોની વિવિધ જરૂરિયાતો મુજબ વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂર
દેશની આશરે 29 ટકા વસ્તી 15-29 વર્ષની વય જૂથમાં આવતી હોવાથી બેંકોએ જીવનના વિવિધ તબક્કાઓમાં યુવાનોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમની સેવાઓ અને વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂર પડશે.