(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લાં અનેક દિવસોથી બંને રાષ્ટ્રવાદી પક્ષ એક થઈ જશે એવી રાજકીય સ્તરે જોરદાર ચર્ચા ચાલી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે રાજ્યમાં વિધાનસભ્ય જયંત પાટીલ પ્રધાન તરીકે શપથ લેશે. દરમ્યાન એક તરફ એનસીપી (શરદ ચંદ્ર પવાર) પક્ષના આઠ સાંસદો દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવાના છે. તો બીજી તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને એનસીપી (શરદ પવાર)ના વિધાનસભ્ય જયંત પાટીલ મુંબઈથી કોલ્હાપુર વિમાન દ્વારા એકસાથે પ્રવાસ કર્યો હતો, તેથી બંને પાર્ટીઓના એક થવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોલ્હાપુર જિલ્લાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમ્યાન વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને વિધાનસભ્ય જયંત પાટીલે તેમની સાથે એક જ વિમાનમાં મુસાફરી કરી હતી. જોકે એવું કહેવાય છે કે આ પ્રવાસ જયંત પાટીલ તેમના મતવિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે થયો હતો. જોકે રાજકીય સ્તરે આ પ્રવાસને કારણે અનેક ચર્ચાએ જોર પકડયું છે. હાલ લોકસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, એનડીએફ દ્વારા મતવિસ્તાર પુનર્ગઠન બિલની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના આઠ સાંસદો સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમ્યાન પક્ષ પ્રમુખ શરદ પવાર અભિજિત દીપકેને મળ્યા હતા અને તેના થોડા સમય પછી તેઓ વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા. હવે શરદ પવાર જૂથના સાંસદો ફરી એકવાર વડા પ્રધાનને મળવા જઈ રહ્યા હોવાથી આ મુલાકાત પાછળ કયા રાજકીય સંકેતો છે તે ચર્ચાએ રાજકીય સ્તરે જોર પકડ્યું છે.નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી બંને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના એક થવા તેમજ કેન્દ્રમાં સાંસદ સુપ્રિયા સુળેના સંભવિત પ્રધાન પદ મળશે એવી વિવિધ ચર્ચા ચાલી રહી છે. જોેકે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી આ ચર્ચાઓને નકારી રહી છે. પરંતુ તેમ છતાં આ બેઠકો રાજકીય વર્તુળોમાં વિરોધાભાસી ચર્ચાઓનું કારણ બની રહી છે.