Wed Aug 19 2026

Logo

Milk Price Hike: મહારાષ્ટ્રમાં દૂધ પ્રતિ લિટર રૂ. 2 મોંઘું! 11મી ઓગસ્ટથી ગાય-ભેંસના દૂધ ઉપરાંત દહીં-છાશના ભાવ પણ વધશે

2026-08-09 16:20:45
Author: Darshana Visaria
Article Image

મહારાષ્ટ્રમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો સામાન્ય જનતાને પડવા જઈ રહ્યો છે. 'મિલ્ક પ્રોડ્યુસર્સ એન્ડ પ્રોસેસર્સ વેલફેર એસોસિએશન'ના નિર્ણય બાદ રાજ્યમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. દુધના આ નવા વધારેલા ભાવ મંગળવાર, 11મી ઓગસ્ટ, 2026થી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. 

દૂધની ખરીદી, ઈંધણ અને પેકેજિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી એસોશિયએશન દ્વારા આપવામાં આવી છે. જોકે, આ ભાવવાધારો માત્ર દૂધ જ નહીં, પરંતુ દૂધમાંથી બનતા અન્ય ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દહીં, છાશ, ઘી અને પનીરના ભાવમાં પણ 10 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. આ વધારાને કારણે કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાશે. 

દૂધ પર MSP લાગુ કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી: કેન્દ્ર સરકાર

બીજી તરફ, ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) એ સ્પષ્ટ કર્યું હતું કે દૂધ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) લાગુ કરવાનો સરકારનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. તેમણે ઉમેર્યું કે દૂધના ભાવ બજારની સ્થિતિના આધારે સહકારી મંડળીઓ અને ખાનગી ડેરીઓ દ્વારા જ નક્કી કરવામાં આવે છે.

આંધ્રપ્રદેશમાં પણ દૂધના ભાવ વધતાં વિરોધ પ્રદર્શનો:

મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ દૂધના ભાવ વધતાં ગ્રાહકો અને રાજકીય પક્ષોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિજયા ડેરી (Vijaya Dairy) એ 10મી ઓગસ્ટથી પ્રતિ લિટર રૂ.2નો વધારો ઝીંક્યો છે, જેના કારણે ફૂલ ક્રીમ દૂધનો ભાવ રૂ.78થી વધીને રૂ.80 થઈ ગયો છે. આ વારંવારના ભાવવધારા સામે વિજયવાડા સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.