નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ચાર બેઠકો પર પરિણામ જાહેર થઈ ગયું છે. આમાંથી ત્રણ બેઠકો પર ભાજપની જીત થઈ છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે કર્ણાટકામાં કોંગ્રેસ લીડમાં ચાલી રહ્યું છે અને મહારાષ્ટ્રની રાહુરી વિધાનસભા બેઠક પર ભાજપ લીડમાં ચાલી રહ્યું છે. સાત વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપ જીતી રહ્યું છે.
ગુજરાતની ઉમરેઠ બેઠક ભાજપની જીત
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં હતા. આ બેઠક પર સહાનુભૂતિએ ભાજપને જીત અપાવી છે. ઉમરેઠ બેઠક પરથી ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારની 30, 743ની લીડ સાથે જીત થઈ છે. સામે કોંગ્રેસની ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,757 મતો જ મળ્યાં હતાં.
બારામતી બેઠક પર NCP ઉમેદવારની લીડ
આ સાથે મહારાષ્ટ્રની ખૂબ જ ચર્ચિત બારામતી બેઠક પર NCP લીડમાં ચાલી રહ્યું છે. અજીત પવારના પત્ની અને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર 1,21,528 મતો સાથે જીત તરફ આગળ વધી રહ્યાં છે. રાહુરી વિધાનસભા બેઠખની વાત કરવામાં આવે તો, ભાજપના ધારાસભ્ય શિવાજી કરદિલેના નિધન બાદ અહીં તેમના પુત્ર અક્ષય કરદિલે અને શરદ પવાર જૂથના ગોવિંદ મોકાટે વચ્ચે સીધો મુકાબલો છે. આંકડા પ્રમાણે અક્ષય કરદિલે 1,12,587 મતો સાથે લીડમાં છે. સામે ગોવિંદ મોકાટેને માત્ર 27,506 મતો જ મળ્યાં છે.
બાગલકોટમાં કોંગ્રેસે ભાજપને માત આપી
કર્ણાટકમાં એચ.વાય. મેટી (બાગલકોટ) અને શમનુર શિવશંકરપ્પા (દાવણગેરે દક્ષિણ) ના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બાગલકોટ વિધાનસભા બેઠક પર ભાજપના વીરભદ્રૈયા ચરંતિમઠ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર હતી. પરંતુ આ બેઠક પર કોંગ્રેસે ભાજપને માત આપી છે. કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ મેટીની 22,332 મતો સાથે જીત થઈ છે. આ સાથે દાવણગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસ લીડમાં ચાલી રહી છે.
નાગાલેન્ડ અને ત્રિપુરાની સ્થિતિ કેવી છે?
નાગાલેન્ડની કોરિડાંગ વિધાનસભા બેઠક પર ભાજપના ઈમકોંગ એલ. ઈમચેનના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર દાઓચિયર આઈ. ઈમચેનની જીત થઈ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 144 મતો જ મળ્યાં છે. કોંગ્રેસમાંથી ટી. ચાલુકુમ્બા આઓ અને એનપીપીમાંથી આઈ. અબેનજાંગ ચૂંટણી મેદાને હતા પરંતુ તેમને હારનો સામનોલ કરવો પડ્યો છે. આ સાથે ત્રિપુરામાં યોજાયેલી પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો, ધર્મનગર બેઠક પર પણ ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જહર ચક્રવર્તીની 18,290 મતો સાથે જીત થઈ છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો જનતાએ કઈ ખાસ પ્રતિસાદ આપ્યો નથી.