Mon Oct 05 2026

Logo

લંડન એરપોર્ટ પર સાયબર એટેકના એલર્ટથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીમને ફટકો...

2026-09-09 18:24:18
Author: Darshana Visaria
લંડન એરપોર્ટ પર સાયબર એટેકના એલર્ટથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીમને ફટકો...

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લંડન પ્રવાસ દરમિયાન એક મોટી વિમાન દુર્ઘટના અને સુરક્ષા વિઘ્ન ટળ્યું છે. બ્રિટિશ સંસદમાં આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકારવા માટે લંડન રવાના થયેલા એકનાથ શિંદેની સાથે ગયેલો કાફલો જે ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી, તે ફ્લાઇટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સાયબર હુમલાની આશંકા અને ટેકનિકલ એલર્ટના કારણે તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખ (Zurich) ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી.

જોકે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અલગ બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં હોવાથી તેઓ નિર્ધારિત સમયે પહોંચ્યા હતા, પરંતુ તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને ફોટોગ્રાફર સહિત છ અધિકારીઓની ટીમ ઝ્યુરિખ ખાતે અટવાઈ પડી હતી.

હિથ્રો એરપોર્ટ પર 1200 ફ્લાઇટ્સ ડાયવર્ટ, અધિકારીઓ ઝ્યુરિખમાં અટકાયા
લંડન હિથ્રો એરપોર્ટની સિસ્ટમ પર સાયબર એટેકની શંકાને પગલે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જારી કરી 1200 જેટલી ફ્લાઇટ્સને અન્ય દેશો અને એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરવાનો આદેશ અપાયો હતો. નાયબ મુખ્ય પ્રધાન ઓફિસના અધિકારીઓ સવારે પાંચથી સાત વાગ્યા સુધી ઝ્યુરિખમાં રોકાયા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં તેમને સાત વાગ્યે ફરી લંડન રવાના કરવામાં આવ્યા હતા.

બ્રિટિશ સંસદમાં શિંદેનું ભવ્ય સન્માન 
'હાઉસ ઓફ લોર્ડ્સ' ખાતે યુકે એશિયન બિઝનેસ કાઉન્સિલ અને 'કેનવાસ ફોર કેર' દ્વારા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને 'કોમનવેલ્થ પબ્લિક લીડરશીપ રેકગ્નિશન' એવોર્ડ એનાયત કરાશે. 'હાઉસ ઓફ કોમન્સ' ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ક્લેવ 2026માં તેમને 'સ્ટેટ્સમેનશિપ એવોર્ડ'થી નવાજવામાં આવશે. તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી ત્રણ ક્રાંતિકારી પહેલ 'મુખ્ય પ્રધાન માઝી લાડકી બહેન યોજના', નાગરિકોના ઘર સુધી સેવા પહોંચાડતી 'શાસન આપલ્યા દારી' અને રોજગારલક્ષી 'મુખ્ય પ્રધાન યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના'ના સફળ અમલીકરણ માટે આ બહુમાન અપાઈ રહ્યું છે.

લંડન મહારાષ્ટ્ર મંડળ દ્વારા 'ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર':
પોતાના પ્રવાસ દરમિયાન એકનાથ શિંદે 94 વર્ષનો ઐતિહાસિક વારસો ધરાવતા લંડનના 'મહારાષ્ટ્ર ભવન'ની પણ મુલાકાત લેશે. મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને 'ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર' સન્માનથી સન્માનિત કરવામાં આવશે.