મુંબઈ: મહારાષ્ટ્રના 75 ટકા વિસ્તારમાં સરકારે દુકાળ જાહેર કર્યા બાદ ખેડૂતો માટે તાત્કાલિક અને મોટી આર્થિક સહાય જાહેર કરવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે સરકારને અપીલ કરી છે કે દુકાળગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં પહેલાં હેક્ટર દીઠ 1 લાખ રૂપિયાની સીધી સહાય જમા કરવામાં આવે અને ત્યારબાદ પંચનામા તથા અન્ય કાગળોની પ્રક્રિયા કરવામાં આવે.
હર્ષવર્ધન સપકાળે કહ્યું કે સરકારે દુકાળ જાહેર કર્યો છે, પરંતુ ખેડૂતોને વાસ્તવિક મદદ કેટલી મળશે અને ક્યારે મળશે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. તેમના જણાવ્યા અનુસાર દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અનેક વિસ્તારોમાં પશુઓ માટે ચારો અને પાણીની ગંભીર અછત છે, જ્યારે કેટલાક ગામો અને વસાહતોમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે.
સપકાળે કહ્યું કે દશેરા અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોના સમયમાં ખેડૂતોના ઘરમાં અંધારું ન રહે તે માટે સરકારને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. તેમણે હેક્ટર દીઠ 1 લાખ રૂપિયાની નુકસાન ભરપાઈ ઉપરાંત રબી સિઝન માટે મફત બિયારણ અને ખાતર આપવાની માગણી કરી છે. સાથે જ ખેડૂતો માટે પાક લોન માફી અને રબી સિઝન માટે વિશેષ આર્થિક પેકેજની પણ માગણી કરવામાં આવી છે.
ખેડૂતોની સાથે પશુધન બચાવવા માટે પૂરતો ચારો અને પશુઆહાર ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર પણ સપકાળે ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પાણી જ ઉપલબ્ધ ન હોય તો કૃષિ વીજળી બિલ માફી જેવી રાહતનો ખેડૂતોને કેટલો લાભ મળશે તે પ્રશ્ન છે. ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ હવે રબી સિઝન સામે પણ મોટું સંકટ ઊભું થયું છે, જેના કારણે ખેડૂતો સામે પરિવારના ભરણપોષણ અને બાળકોના શિક્ષણ જેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સપકાળે વિદ્યાર્થીઓ માટે માત્ર પરીક્ષા ફી માફ કરવાને બદલે સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવાની અને ખેતરમાં કામ કરતા મજૂરો માટે અલગ આર્થિક સહાયની જોગવાઈ કરવાની પણ માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ દુકાળના સમયમાં ખેડૂતો પર આર્થિક અને માનસિક દબાણ વધે છે, તેથી પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં સરકાર દ્વારા તાત્કાલિક સહાય પહોંચાડવી જરૂરી છે.
સપકાળે દુકાળની ગંભીરતાની સરખામણી 1972ના દુકાળ સાથે કરતાં કહ્યું કે સરકાર પાસે દુકાળનો સામનો કરવા માટે સ્પષ્ટ આયોજન દેખાતું નથી. તેમણે 1972ના દુકાળ દરમિયાન શરૂ થયેલી રોજગાર હામી યોજના અને ત્યારબાદ ખેડૂતો માટે અમલમાં આવેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે અગાઉની સરકારો દ્વારા આપવામાં આવેલી તાત્કાલિક આર્થિક મદદનો પણ ઉલ્લેખ કર્યો.
સરકાર દ્વારા દુકાળ જાહેર થયા બાદ સત્તાધારી પક્ષના કેટલાક પ્રધાનો દ્વારા વિરોધ પક્ષ પર કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે પણ સપકાળે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવી સરકારની ફરજ છે, કોઈ ઉપકાર નથી. સરકારને પ્રશ્ન પૂછવો અને જનતાના પ્રશ્નો રજૂ કરવા વિરોધ પક્ષનો બંધારણીય અધિકાર છે. તેથી પ્રધાનોએ વિરોધ પક્ષને શીખવવાને બદલે ખેડૂતોને તાત્કાલિક અને ભરીવ મદદ પહોંચાડવા પર ધ્યાન આપવું જોઈએ, તેવો ટોણો પણ સપકાળે માર્યો હતો.