Wed Jul 22 2026

Logo

અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે DGCAની મોટી કાર્યવાહી, VSRના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કર્યા...

2026-02-24 22:41:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ જાન્યુઆરી માસમાં બારામતી થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ બાદ VSRના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ વિમાન આગામી સુચના સુધી ઉડાન નહી ભરી શકે.  ડીજીસીએ લિયરજેટ 45 વિમાન દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલા વિશેષ સલામતી ઓડિટમાં અનેક ઉલ્લંઘનો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં VSR એવિએશન અને લિયરજેટ 45 મોડેલ સાથે જોડાયેલી આ બીજી ગંભીર દુર્ઘટના છે.

વિશેષ સલામતી ઓડિટનો આદેશ આપ્યો હતો

આ અંગે ડીજીસીએ  પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે,  28.01.2026 ના રોજ બારામતી ખાતે મેસર્સ VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના લિયરજેટ 45 એરક્રાફ્ટ (VT-SSK) ના અકસ્માત બાદ  વિશેષ સલામતી ઓડિટનો આદેશ આપ્યો હતો. વિવિધ શાખાઓના નિષ્ણાત ટીમે સંસ્થામાં ઉડાન યોગ્યતા, હવાઈ સલામતી અને ફ્લાઇટ કામગીરી સંબંધિત મંજૂર પ્રક્રિયાઓમાં ઘણી ગેરરીતિઓ શોધી કાઢી હતી.

સુધારાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો

આ ઉપરાંત મેન્ટેનન્સ પ્રક્રિયાઓમાં ખામીઓના પગલે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે  VT-VRA, VT-VRS, VT-VRV અને VT-TRI રજીસ્ટ્રેશન નંબરો ધરાવતા Learjet 40/45 વિમાનોને સતત ઉડાન યોગ્યતા ધોરણો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ડીજીસીએ દ્વારા  ચાર્ટર ઓપરેટરો પર દેખરેખ વધારી 

મહારાષ્ટ્રના  બારામતી અકસ્માત બાદ ડીજીસીએ દ્વારા  ચાર્ટર ઓપરેટરો પર દેખરેખ વધારવામાં આવી છે.  ડીજીસીએ  હાલમાં દેશના તમામ બિન-શિડ્યુલ્ડ ઓપરેટરોનું તબક્કાવાર ઓડિટ કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને મેન્ટેનન્સ  અને સલામતી પ્રક્રિયાઓના પાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

અજિત પવાર સહિત પાંચ લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ  વિમાન એરપોર્ટ પર ઉતરાણના બીજા પ્રયાસ દરમિયાન ક્રેશ થયું હતું.