Sun Jul 26 2026

Logo

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન, કહ્યું  તમામ આરોપીઓને કડક સજા આપો

2026-07-06 16:46:49
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા : અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસની એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ જ મુદ્દે આજે ટ્રસ્ટની બેઠક  યોજાવાની છે. જોકે, આ બેઠક પૂર્વે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કેસમાં તમામ આરોપીઓને કડક સજા આપવામાં આવે. આ મુદ્દો કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા છે. 

દાનની ચોરીથી મને ખૂબ જ દુઃખ થયું

તેમણે વધુમાં જણાવ્યું કે,  શ્રી રામ લલ્લા મંદિરમાંથી દાનની ચોરીથી મને ખૂબ જ દુઃખ થયું છે. જેણે પણ આ પાપ કર્યું છે તેને શક્ય તેટલી કડક સજા મળવી જોઈએ. મને યુપીનાસીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ પાપમાં સામેલ દરેકને કડક સજા અપાવશે. આ કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે. 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, હું વિનંતી કરું છું કે કોઈએ પણ વ્યક્તિગત લાભ માટે આના પર રાજકારણ ન થવું જોઇએ. 

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર દાન ચોરીના મુદ્દાને લઈને ઉગ્ર બનતા આજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક થઈ રહી છે. આ બેઠક દરમિયાન મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા પર પણ વિચારણા કરવામાં આવશે. 

રામ મંદિરના દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામા આપ્યા હતા. જોકે, તેમના રાજીનામા હજુ સુધી સ્વીકારવામાં આવ્યા નથી. ટ્રસ્ટની બેઠક દરમિયાન આ બાબતે નિર્ણય લેવામાં આવશે.

ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રા રાજીનામાં અંગે ચર્ચા 

નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફેબ્રુઆરી 2020 માં ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવશે.

ટ્રસ્ટની બેઠક દર ત્રણ મહિને મળે છે

આ ઉપરાંત રામ મંદિર ટ્રસ્ટમાં મૂળ 15 સભ્યો હતા. જેમાંથી એકનું અવસાન થયું છે. જેમાંથી હાલમાં 14 સભ્યો બાકી છે. ટ્રસ્ટની બેઠક દર ત્રણ મહિને મળે છે. છેલ્લી બેઠક 21 માર્ચે રામ નવમીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે થઈ હતી. તેમજ  આજે ટ્રસ્ટની બેઠકમાં શું નિર્ણય આવશે તેની પર સૌની નજર છે.