Sun Jul 26 2026

Logo

મધ્ય પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત: ટ્રક અને પિક-અપ વાન વચ્ચેની ટક્કરમાં છના મોત, 21 ઘાયલ

2026-06-22 19:47:00
Author: Mumbai Samachar Team
Article Image

છિંદવાડાઃ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક ટ્રક મજૂરો ભરેલી એક પિક-અપ વાન સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૧ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિમી દૂર ટેમની ગામ નજીક ટુ-લેન છિંદવાડા-બેતુલ નેશનલ હાઇવે પર થયો હતો. છિંદવાડાના પોલીસ અધિક્ષક અજય પાંડેએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક મહિલા સહિત છ લોકોના મોત થયા છે. જ્યારે ૨૧ લોકો ઘાયલ થયા છે.

આ વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક રામેશ્વર ચૌબેએ જણાવ્યું કે પિક-અપ વાન રસ્તાની બાજુમાં ઉભી હતી અને ડ્રાઇવર કોઇ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ટ્રકે વાહનને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તે પલટી ગયું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત દરમિયાન ટ્રકનું એક ટાયર ફાટ્યું હતું અને તે એક મોટરસાઇકલ સાથે અથડાયું હતું. પરિણામે મોટરસાઇકલ સવાર કચડાયો અને ટ્રક પલટી ગઇ હતી. અધિક પોલીસ અધિક્ષક આશિષ ખરેએ બેથી ત્રણ ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન મુખ્ય પ્રધાન મોહન યાદવે આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ મૃતકોના પરિવારજનોને ચાર લાખ, ગંભીર રીતે ઘાયલોને એક લાખ અને અન્ય ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.