Sat Sep 12 2026

Logo

મધ્ય પ્રદેશના અનુપપુરમાં ત્રણ માળની લોજ ઘરાશાયી, એકનું મોત અનેક લોકો દટાયા હોવાની આશંકા

2026-04-04 21:23:53
Author: Chandrakant Kanoja
મધ્ય પ્રદેશના અનુપપુરમાં ત્રણ માળની લોજ ઘરાશાયી, એકનું મોત અનેક લોકો દટાયા હોવાની આશંકા

અનુપપુર : મધ્ય પ્રદેશના અનુપપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. અનુપપુર જિલ્લામા બસ સ્ટેન્ડ નજીક આવેલી અગ્રવાલ લોજની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ છે. જેમાં ઇમારતના ઉપરના ભાગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે બાજુમાં નવી બિલ્ડિંગ માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું  હતું. આ દરમિયાન દુર્ઘટના ઘટી છે. જેમાં પ્રારંભિક માહિતી મુજબ  એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક  લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.

પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે 

આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. 
જોકે, ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.

અકસ્માત સમયે ઘણા લોકો ઇમારતની અંદર હતા

આ દુર્ઘટનાને નજરે નિહાળનારાના મતે અકસ્માત સમયે ઘણા લોકો ઇમારતની અંદર હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, કાટમાળ નીચે 5 થી 6 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જોકે, અત્યાર સુધી  બચાવ ટીમોએ કાટમાળમાંથી બે વ્યક્તિઓને સફળતાપૂર્વક બહાર કાઢ્યાછે. તેમને તાત્કાલિક  સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ફસાયેલા હોવાના લીધે  બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ  છે.

ઇમારત તૂટી પડી તેની બાજુમાં નવી ઇમારતનું બાંધકામ 

જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર  જે  ઇમારત તૂટી પડી તેની બાજુમાં નવી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. એવો આરોપ છે કે આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલા ભૂગર્ભ ખોદકામથી જૂની ઇમારતનો પાયો તૂટી ગયો હતો, જેના કારણે  દુર્ઘટના સર્જાઇ છે. આ  અકસ્માત સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. વહીવટીતંત્રે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે જેથી રાહત અને બચાવ કામગીરીમાં કોઈ પણ રીતે અવરોધ ન આવે.