Sat Mar 07 2026

Logo

હેં, બળી ગયેલો શર્ટની કિંમત એક લાખ રૂપિયામાં? જાણો આખી સ્ટોરી વિસ્તારથી...

Mumbai   2 weeks ago
Author: Darshana Visaria
Article Image

ફેશન ઈન્ડસ્ટ્રી દિવસે નહીં એટલી રાતે બદલાય છે અને આજકાલ ફેશનની દુનિયામાં એવા એવા પ્રયોગો થઈ રહ્યા છે કે જે જોઈને તમને પણ એવો સવાલ થાય કે હેં, ભાઈસાબ આવું તે કંઈ હોતું હશે? સામાન્ય દેખાતા કે ફાટેલાં-તૂટેલાં કપડાં પણ લાખોમાં વેચાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક બળી ગયેલો શર્ટ ચર્ચામાં આવ્યો છે. એનું કારણ છે આ શર્ટની કિંમત. એક લક્ઝરી બ્રાન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલો આ બળી ગયેલો શર્ટ લાખો રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

જો તમે ક્યારેય ઇસ્ત્રી કરતી વખતે ભૂલથી તમારી શર્ટ બાળી નાખી હોય, તો અફસોસ ન કરશો, કારણ કે તમે અજાણતા જ 'હાઈ ફેશન' બનાવી લીધી છે! સ્વિસ-ફ્રેન્ચ લક્ઝરી લેબલ Vetements એ તાજેતરમાં એક એવી શર્ટ લોન્ચ કરી છે જેના પર ઇસ્ત્રીથી બળેલા ડાઘ જેવી પ્રિન્ટ છે અને તેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. કિંમત જાણીએ એ પહેલાં તમે પણ આ અનોખા શર્ટની એક ઝલક તો જોઈ લો... 

 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ શર્ટનું નામ છે With Ironing Burn Graphic Shirt. આ એક ઓવરઝાઇઝ્ડ શર્ટ છે જેમાં છાતીના ખિસ્સા પાસે બરાબર એવો જ ગ્રાફિક ડાઘ બનાવવામાં આવ્યો છે જેવો ઇસ્ત્રી કપડા પર વધારે વાર રહી જવાથી પડે છે. આ અજીબોગરીબ ડિઝાઇનવાળી શર્ટની કિંમત લગભગ અંદાજિત એક લાખ રૂપિયા રાખવામાં આવી છે.

જોકે, આ પહેલી વખત નથી કે આવી વિચિત્ર ફેશન કોઈ લક્ઝરી બ્રાન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી હોય. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ફાટેલી જીન્સ અને ગંદા દેખાતા શૂઝ (Distressed Sneakers) ટ્રેન્ડમાં રહી ચૂક્યા છે, પરંતુ આ રીતે લૉન્ડ્રી એક્સિડન્ટને ફેશન બનાવવો એ લોકો માટે આશ્ચર્યજનક તો છે જ પણ એની સાથે સાથે તે ચોંકાવનારી પણ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ શર્ટ જોઈને જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ શર્ટની કિંમત એક લાખ રૂપિયા છે? મારી મમ્મી તો આ કામ વર્ષોથી ઘરે જ ફ્રીમાં કરી આવે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ તો  તો 'અમીર બનો, પણ ગરીબ દેખાઓ' વાળો ટ્રેન્ડ હવે હદ વટાવી રહ્યો છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે કાશ મારા પપ્પા આ જોઈ શકતા હોત! જે બળેલાં શર્ટ માટે મને બાળપણમાં ઠપકો મળ્યો હતો, તે આજે લાખોની ફેશન બની ગઈ છે.

સ્વિસ-ફ્રેન્ચ લક્ઝરી લેબલ Vetements એ જ બ્રાન્ડ છે કે જે સામાન્ય દેખાતી વસ્તુને પણ મોંઘીદાટ ફેશન સ્ટેટમેન્ટમાં પણ બદલાવવા માટે પ્રખ્યાત છે. લક્ઝરી બ્રાન્ડ્સ કદાચ એવો સોશિયલ એક્સપેરિમેન્ટ કરી રહી છે કે લોકો અજીબ વસ્તુઓ પાછળ કેટલા પૈસા ખર્ચવા તૈયાર છે.

વધુ જુઓ...