લખનઉ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના અલીગંજ વિસ્તારમાં બનેલી ભયાનક આગની ઘટનામાં કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ જીવલેણ અગ્નિકાંડના સહ-માલિક અને મુખ્ય આરોપી સુરેન્દ્ર પ્રસાદ શુક્લાની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. નિયમોને નેવે મૂકીને ઊભી કરાયેલી આ ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આરોપીની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે 15 નિર્દોષ લોકોનું ગૂંગળામણ અને આગને લીધે મોત થયું હતું.
અદાલતે જામીન અરજી નામંજૂર કરતા કડક શબ્દોમાં જણાવ્યું કે, ‘આ કેસમાં આરોપી પર લાગેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યા વિના આ કોમર્શિયલ કૉમ્પ્લેક્સ ચલાવવામાં આવી રહ્યું હતું’. સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનામાં આરોપીની સીધી ભૂમિકા દર્શાવે છે. કોર્ટે આ મામલે પોલીસ કમિશનરને તપાસ પર સીધી દેખરેખ રાખવા પણ આદેશ આપ્યો છે.
આ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, 22 જૂન 2026 ના રોજ અલીગંજના પુરનિયા બજાર નજીક આવેલા આ આઇકોનિક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગમાં એનિમેશન કોચિંગ સેન્ટર અને પેટ શોપ ચાલતી હતી. બિલ્ડિંગની ખામીયુક્ત ડિઝાઇન અને કટોકટીના સમયે બહાર નીકળવા માટે કટોકટી દ્વાર ન હોવાને કારણે અંદર હાજર યુવક-યુવતીઓ અંદર જ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મોત થયા હતા અને 7 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ દુર્ઘટનામાં અધિકારીઓની બેદરકારીની પુષ્ટિ
આ મામલે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીની તપાસમાં મોટી ક્ષતિઓ બહાર આવી છે, જેમાં 19 એન્જિનિયર્સ અને 6 પીસીએસ અધિકારીઓની બેદરકારીની પુષ્ટિ થઈ છે અને આ તમામને સસ્પેન્ડ કરવાની ભલામણ કરાઈ છે. આ દુર્ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતાનો અલીગઢનો પ્રવાસ અધવચ્ચે છોડીને તાત્કાલિક લખનઉ પરત ફર્યા હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ અગ્નિકાંડના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે!