લખનઊઃ બુધવારે લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) છે જેમાં બન્ને ટીમના યુવાન ફાસ્ટ બોલર (ખાસ કરીને લખનઊના મયંક યાદવ અને દિલ્હીના આકિબ નબી) વચ્ચે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ જોવા મળી શકે.
ઈજાઓથી પરેશાન મયંક હવે ફુલ્લી ફિટ છે, જ્યારે તાજેતરમાં રણજી ટ્રોફીની સીઝનમાં કુલ 60 વિકેટ લઈને જમ્મુ-કાશ્મીરને ઐતિહાસિક પ્રથમ ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આકિબ નબી આઇપીએલમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
હેડ-ટુ-હેડ મુકાબલા
બન્ને ટીમ વચ્ચે કુલ સાત મૅચ રમાઈ છે જેમાંથી પહેલી ત્રણ મૅચમાં લખનઊ (Lucknow)નો અને છેલ્લી ચાર મૅચમાં દિલ્હીનો વિજય થયો હતો. છેલ્લા ચારમાંથી બે મૅચ લખનઊમાં રમાઈ હતી અને એ બન્નેમાં દિલ્હી (Delhi)એ જીત મેળવી હતી.
રિષભ પંત પર પ્રેશર
રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ 2025ની આઇપીએલ સીઝનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે કૅપ્ટન તરીકે અને બૅટ્સમૅન તરીકે પ્રશંસનીય પર્ફોર્મ નહોતો કરી શક્યો એટલે આ વખતે તે શરૂઆતથી જ થોડા માનસિક દબાણમાં રમશે. ટીમના કેટલાક ફાસ્ટ બોલર્સ સહિતના ચાવીરૂપ ખેલાડીઓ ઈજાને લીધે નથી રમવાના એનું પ્રેશર પણ પંત પર રહેશે. જોકે મોહમ્મદ શમી અને ઍન્રિક નોર્કિયા જેવા પીઢ ફાસ્ટ બોલર તેની વહારે આવી શકે. આ ટીમ પાસે બીજા ત્રણ ફાસ્ટ બોલર મોહસિન ખાન, પ્રિન્સ યાદવ અને આવેશ ખાન પણ છે. મિસ્ટરી સ્પિનર તરીકે જાણીતા અને કેટલાક વિવાદો ઊભા કરી ચૂકેલા દિગ્વેશ રાઠી પર પણ સૌની નજર રહેશે. જોકે બૅટિંગમાં આ ટીમ પાસે એઇડન માર્કરમ, મિચલ માર્શ, નિકોલસ પૂરન જેવા પીઢ બૅટ્સમેનો તેમ જ અબ્દુલ સામદ અને આયુષ બદોની પણ છે.
અક્ષર પટેલના સુકાનમાં દિલ્હીની ટીમ પાસે કે. એલ. રાહુલ તેમ જ પૃથ્વી શૉ, અભિષેક પોરેલ, નીતીશ રાણા, પથુમ નિસાન્કા તેમ જ ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા જેવા ભરોસાપાત્ર બૅટ્સમેનો છે. સ્પિન બોલિંગમાં કૅપ્ટન અક્ષર તેમ જ કુલદીપ યાદવ લખનઊને ભારે પડી શકે.