નવી દિલ્હી: મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના પગલે ભારતમાં એલપીજીના પુરવઠા મુદ્દે સરકાર સતર્કતા વધારી રહી છે. તેમજ સરકારે હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પણ રોક લગાવી છે. જોકે, તેમ છતાં લોકો દ્વારા રાંધણ ગેસના બુકિંગના અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. જોકે, સરકાર ગેસના કાળા બજારને રોકવા અનેક સ્થળોએ છાપેમારી પણ કરી રહી છે. આ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
સ્ટોકની અછતના કોઈ કિસ્સા નોંધાયા નથી
આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આપણા માટે ચિંતાનો વિષય છે. જોકે, અત્યાર સુધી સ્ટોકની અછતના કોઈ કિસ્સા નોંધાયા નથી. તેમણે જણાવ્યું કે ગભરાટ બુકિંગના કિસ્સાઓ નોંધપાત્ર રીતે ઊંચા છે. તેમણે ઉમેર્યું કે ગઈકાલે મેં તમારી સાથે શેર કરેલો આંકડો 75 થી 76 લાખનો હતો તે હવે વધીને 88 લાખ થયો છે.
કોમર્શિયલ સિલિન્ડરોનું વિતરણ શરૂ
કોમર્શિયલ સિલિન્ડરો અંગે વ્યાપક ચર્ચા થઈ છે. જેના પગલે તેમના માટે પણ ચોક્કસ માત્રામાં એલપીજી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સંદર્ભમાં રાજ્ય સરકારો સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો. ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે આ કોમર્શિયલ સિલિન્ડરો રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરિણામે, લગભગ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરોનું વિતરણ શરૂ થઈ ગયું છે, અને તે ગ્રાહકો સુધી પહોંચી ચૂક્યા છે.
ટીમો સતત દરોડા પાડી રહી છે.
આ ઉપરાંત પુરવઠાને જાળવી રાખવા માટે સ્થાનિક બજારમાં ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઉભી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. બજારમાં કાળાબજાર સામે કાર્યવાહી કરવા માટે ઘણી સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સતત દરોડા પાડી રહી છે.
19 વ્યક્તિઓ સામે કેસ પણ નોંધવામાં આવ્યા
આ અમલીકરણ અભિયાનની સીધી અસર ઘણા રાજ્યોમાં સ્પષ્ટ છે. ઉત્તર પ્રદેશમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાળાબજારને રોકવા માટે, 1,400 સ્થળોએ મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ગેરરીતિઓમાં સંડોવાયેલા 19 વ્યક્તિઓ સામે કેસ પણ નોંધવામાં આવ્યા છે.