નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલ રહેલા યુદ્ધના કારણે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. જેના કારણે અનેક લોકો પરેશાન થઈ રહ્યાં છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત અંગે સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાયમાં 20 ટકા ક્વોટા આપવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને મોટી રાહત મળવાની છે. ચાલો જોઈએ શું છે સમગ્ર હકીકત...
હોટેલ અને રેસ્ટોરા ઈન્ડસ્ટ્રી બંધ થવાના આરે
અત્યારે દેશમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરને લઈને અનેક પ્રકારની ચર્ચાઈ થઈ રહી છે. ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે, અનેક હોટેલ અને રેસ્ટોરા બંધ થવાના આરે છે, એટલું જ નહીં પરંતુ ગેસની અછતના કારણે અનેક હોટલો અને રેસ્ટોરન્ટોએ પોતાના મેનુમાં પણ ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યાં છે.
સરકારની એક મહત્વપૂર્ણ બેઠકમાં લેવાયો નિર્ણય
ખાસ કરીને વાત કરવામાં આવે તો, પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી અને પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની વર્તમાન સ્થિતિ અને તેના કારણે હોટલ અને રેસ્ટોરા તથા પ્રવાસન સેક્ટરમાં કેવી અસરો થઈ છે તેના પર ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કમર્શિયલ ગ્રાહકોને કેન્દ્ર સરકારે કેટલી રાહત આપી?
રાહતની વાત એ છે કે, હવે રજિસ્ટર્ડ ગ્રાહકો તેમના કોમર્શિયલ સિલિન્ડરના 20% સુધી મેળવી શકે છે. કમર્શિયલ ગ્રાહકોને તેમની કુલ માંગના 20% પ્રાપ્ત થશે. ત્રણેય તેલ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો અને રાજ્ય સરકાર નક્કી કરશે કે કયા ક્ષેત્રને 20% કમર્શિયલ સિલિન્ડર પુરવઠો મળશે. આ સુવિધા રજિસ્ટર્ડ કમર્શિયલ સિલિન્ડર જોડાણોને પૂરી પાડવામાં આવશે તેવો સરકારે નિર્ણય લીધો છે.