Wed Sep 09 2026

Logo

શ્રી રામનું જીવન અને ગ્રહોની ચાલ: કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં પ્રભુની જન્મકુંડળી પર પ્રસ્તુત થયું વિશેષ સંશોધન

2026-03-25 14:54:28
Author: Mumbai Samachar Team
શ્રી રામનું જીવન અને ગ્રહોની ચાલ: કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં પ્રભુની જન્મકુંડળી પર પ્રસ્તુત થયું વિશેષ સંશોધન

ભુજ: મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીનું જીવન સમગ્ર માનવજાત માટે એક આદર્શ છે, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તેમની ગ્રહદશાઓ અને કુંડળીના યોગો એટલા જ રસપ્રદ અને સંશોધન માગી લે તેવા છે. તાજેતરમાં ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કચ્છ જ્યોતિષ મંડળની માસિક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભુ શ્રી રામની જન્મકુંડળી પર થયેલા વિશિષ્ટ સંશોધનને રજૂ કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ભુજના જાણીતા જ્યોતિષી આનંદ શાહે ભગવાન શ્રી રામની કુંડળીનું ઊંડું વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રભુની કર્ક લગ્નની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી હોવાથી અદભૂત રાજયોગો રચાયા હતા. આ ગ્રહોના પ્રભાવને કારણે જ તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને અટલ વચનપાલક તરીકે સ્થાપિત થયા. 

જોકે, સુખ અને સંઘર્ષના સમન્વય વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને સપ્તમ ભાવમાં મંગળની સ્થિતિને કારણે તેમને રાજત્યાગ, વનવાસ અને પત્ની-સંતાન વિયોગ જેવા કષ્ટદાયક પ્રસંગોનો સામનો કરવો પડ્યો હતો, જે ગ્રહોની ચાલ સાથે સંપૂર્ણ સુસંગત છે.

ચર્ચાને આગળ ધપાવતા જાણીતા ખગોળશાસ્ત્રી અને જ્યોતિષી નરેન્દ્ર ગોર 'સાગર' એ શાસ્ત્રોક્ત પુરાવાઓ ટાંકીને જણાવ્યું કે, શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં થયો હતો. તેના આધારે તેમણે દશા, અંતર્દશા અને ગ્રહોના ગોચરની ચોકસાઈપૂર્વક ગણતરી કરી, જે રામાયણના પ્રસંગો અને પ્રભુના જીવનની ટાઈમલાઈન સાથે અદભૂત રીતે મેળ ખાય છે.

મંડળના પ્રમુખ પ્રીતિબહેન રાજગોર તથા ઉપપ્રમુખ પ્રફુલ જોશીએ આ સંશોધનાત્મક પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે રામજીનું જીવન અભ્યાસુઓ માટે જ્ઞાનનો અખૂટ ભંડાર છે. સલાહકાર ગીરીશ ગોરે આશા વ્યક્ત કરી હતી કે કચ્છ જ્યોતિષ મંડળ આગામી સમયમાં પણ આવા જ સંશોધનલક્ષી કાર્યક્રમો દ્વારા જ્યોતિષીઓને પ્રોત્સાહન પૂરું પાડતું રહેશે.આ બેઠકમાં ધીરેન્દ્ર રઘુવંશી, સ્મિત રાજગોર, પ્રવીણ વરસાણી સહિત મોટી સંખ્યામાં કચ્છના અગ્રણી જ્યોતિષીઓ અને જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ઉત્સવ વૈદ્ય)