હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
વર્ષો પૂર્વે ગુણવંતરાય આચાર્યની એક વાર્તા વાંચી હતી, જે ખૂબ જ ટૂંકાણમાં ઉતાર્યા પછી મારી વાત કરીશ. કાઠિયાવાડમાં મોરબી નામે રાજ્ય ને મોરબી નામે ગામ. મોરબી રાજ્ય પર જીવાજી ઠાકોરનું શાસન ચાલતું હતું. ઠાકોર જેટલા કાનના કાચા હતા, એટલા જ મગજના તેજ હતા. તેમનો કામદાર નામે જટાશંકર બક્ષી. જટો કોઈ ગુનામાં આવી ગયો. બાપુએ ફરમાન કર્યું: ‘જટિયા, તું મારા રાજ્યમાં નહિ. કાલે સવારે સૂરજ ઊગે ત્યારે જો મારા રાજની હદમાં ભાળીશ તો કાંધે મારીશ. માટે ઉચાળા ભરીને હાલતો થઈ જા.’ પણ જટો જેનું નામ. રાજના કામદારોનાં ઝેર તો પાંચ પેઢીથી એણે પચાવ્યાં હતાં. જટાએ મનમાં ગાંઠ વાળી કે આપણે આ ગામમાંથી જાવુંય નથી, ને કામદારું છોડવુંય નથી.
અને જટાએ મોરબી ગામમાંથી ઉચાળા તો જાણે ભર્યા, પણ ગામથી બે માઈલ દૂર આવેલ નદીકાંઠા પરના એક પડતર મંદિરમાં વાસ કર્યો. રાત તો જેમ તેમ કરીને જટાએ પરિવાર સાથે પૂરી કરી ને વહેલી સવારે ઊઠીને તે મોરબી પહોંચ્યો. જીવાજી ઠાકોર દાંતણ કરતા હતા ત્યાં જ દરવાને તેમને જાણ કરી: ‘બાપુ, આપને જટો કામદાર અબઘડી મળવા માગે છે.’ ગુસ્સામાં બાપુની આંખ લાલઘૂમ થઈ ગઈ. બાપુએ બરાડો પાડ્યો: ‘કેમ રે જટિયા, તારું મોત જ તને અહીં લાવ્યું કે? કીધું નહોતું કે ચોવીસ કલાક પછી મારા રાજ્યમાં ભાળીશ તો કાંધે દઈશ?’ ‘એટલા સારુ તો બાવા, આવ્યો છું.’ ને પછી જટાએ ઘીનો દીવો પ્રગટાવ્યો ને બાવાના પગ આગળ મૂક્યો. નાળિયેર વધેર્યું. શેષની એક કટકી મોંમાં મૂકી. બાવાના પગમાં લાંબાલસ થઈ કહી દીધું: ‘બસ! બાવા, હવે ગરદન મારો.’ પછી બાપુના આગ્રહથી તેણે જણાવ્યું: ‘બાપુ, મારી વાત તમે સાંભળશો તો માનશો નહીં.’ ઉમેયું: ‘અમે તો બાવા, પહેરેલે કપડે નીકળ્યાં હતાં. અમારી પાસે પાણીનું સાધન પણ નહીં. રણમાં તો પાણીય ક્યાંથી જડે? મારી ધાવણી છોડીય પાણી માટે જીવ કાઢે. ને બાપુ, ત્યાં જ અંધારા આભમાં તેજનો ગોળો પ્રગટ્યો. એક મૂર્તિ નીચે ઊતરી આવી. હાથમાં ઝારી રહી ગઈ છે. ચાર હાથ છે. એકમાં પદ્મ ને બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજામાં શંખમણિ શોભી રહ્યા છે ને ચોથા હાથમાં પાણીની ઝારીમાંથી આકાશગંગાનાં પાણી રણમાં સમાતાં જાય છે. શું એનું રૂપ બાવા, શું રૂપ! મારી આંખ તો એ રૂપથી ભરેલા ચહેરા પરથી ખસે જ નહીં અને ચહેરો! - મહોરો! ને માનશો બાપુ! અસલ તમારા જેવો જ મહોરો. પછી મેં મનમાં વિચાર કર્યો કે અલ્યા જટિયા! આપણા બાવા પોતે જ ભગવાન કૃષ્ણનો અવતાર છે, તે એના પગ મૂકીને ક્યાં ભટકવા નીકળ્યો? એટલે બાપુ, ઝટ પાછો ફર્યો ને સીધો આપની પાસે આવ્યો. બસ, હવે મને અબઘડી મારી નાખો. તમારા હાથે મારું મોત ક્યાંથી?’ જટિયાની વાત સાંભળીને ઠાકોરે કહ્યું: ‘લે હવે રાખ. ઘેર જા ઘેર. ને પાછો કામે ચડી જા. ને જો જટિયા, આ અવતાર-બવતારની વાત કોઈને કહેતો- બહેતો નહિ હોં! શું સમજ્યો? હું ને તું બે જ જાણીએ - ઈ તો પછી હું હોઉં તો હોઉંયે ખરો હોં!’
અને કશાનો અવતાર હોવું ન હોવું એ શ્રદ્ધાનો વિષય હોવાથી કોઈ એમ કહે કે મને ફલાણા ભગવાન હાજરાહજૂર છે તો એ અંગે હું શંકા કરતો નથી. નવતાડની પોળ, ઘીકાંટા રોડ પર અમે રહેતા હતા ત્યારે નાનપણમાં નવરાત્રિ વખતે મને અને મારા નાના ભાઈ ભરતને માતાજી આવતાં. હું મોટો ભાઈ હોવાને કારણે મને અંબાજી માતા આવતાં ને ભરત નાનો એટલે તેને બહુચરમા આવતાં. અમે ખૂબ ધૂણતા. પછી પાંખડીમાનાં દીકરી પ્રેમીલાફોઈ મારા માથે હાથ મૂકી આજ્ઞાંકિત સ્વરે કહેતાં: ‘શાંત થઈ જા.’ તેમને સૌથી મોટાં અંબાજી મા (આબુ પાસેનાં) આવતાં હશે ને મને ધનાસુથારની પોળનાં. હું તરત જ શાંત થઈ જતો. પછી રડતો. આસપાસના લોકો અમારી સામે શ્રદ્ધાથી જોઈ રહેતા. પછી બીજા દિવસે કોઈ અતિ શ્રદ્ધાળુ ભાઈ યા બહેન અમને તેમને ત્યાં ફરાળ કરવા તેડી જતા.
આચાર્ય રજનીશ પણ અમારી જેમ જ ભગવાન બની ગયા હતા. પ્રવચન વખતે સામે બેઠેલ તમામ શ્રોતાવર્ગને તે ભાવપૂર્વક કહેતા કે તમારામાં બેઠેલા ભગવાનને મારા પ્રણામ. પણ તે ભગવાન થયા ત્યારે કેટલાકે વિરોધ કર્યો. તેમણે વિરોધીઓને જણાવ્યું કે તમારામાં બેઠેલા ભગવાનને મેં વંદન કર્યા, તમને ભગવાનનો દરજ્જો આપ્યો ત્યારે તમે એનો વિરોધ ના કર્યો ને હું ભગવાન બનું એ તમને નથી ગમતું! ત્યાર બાદ તે ભગવાન લેખે સ્વીકારાયા.
એટલે ધારો કે કોઈ એવો દાવો કરે કે તેને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો છે તો હું એમાં શંકા કરતો નથી. અમદાવાદના જ એક વિવેચકે સાધક પ્રકૃતિના મારા એક લેખક મિત્રને શરમાતાં શરમાતાં એક દિવસે કહ્યું હતું કે ‘મિત્ર, મને પણ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન જુહુના દરિયાકિનારે થઈ ગયાં. તેમણે મને પ્રેમથી નાળિયેરનું પાણી પિવડાવ્યું.’ મારો લેખક મિત્ર સાધુચરિત હોવાથી તેણે એ વિવેચકને નહોતું પૂછ્યું કે પછી નાળિયેરપાણીના પૈસા કોણે ચૂકવેલા? તમે કે શ્રીકૃષ્ણે? જોકે આવો સવાલ તો હું પણ તેમને ન પૂછું, કેમકે મને તેમનો સારો એવો પરિચય છે.
મુનશી, હરીન્દ્ર દવે, ડૉ. સુરેશ દલાલ કે ડૉ. ગુણવંત શાહના શબ્દોમાં તો કૃષ્ણ ઠેર ઠેર વેરાયેલા છે. પણ તે સ્થૂળ દેહે પણ આપણી વચ્ચે છે એવું મને થોડા સમય પહેલાં જાણવા મળ્યું. જેમણે ભૂકંપમાં માર્યા ગયેલા અમદાવાદીઓના આત્મા સાથે તેમનાં સગાં-વહાલાંઓને નિરપેક્ષ ભાવે મફતમાં વાતચીત કરાવેલી એ કાર્તિક ત્રિવેદીએ આશ્ર્ચર્યચકિત કરી દે એવી વાત કરી છે, જે એક રૅશનાલિસ્ટ મિત્રે પોતાના પુસ્તકમાં તેમના જ હસ્તાક્ષરોમાં ઉતારી છે: ‘હાલમાં, ન્યૂ દિલ્હીમાં પ્રાઈમમિનિસ્ટર તરીકે કામ કરતા પૂજ્ય શ્રી અટલબિહારી વાજપેયી અંગે મને એક વિઝન આવેલ છે. આ, પૂજ્ય શ્રી અટલજી ભગવાન શ્રીકૃષ્ણના ખૂબ જ અંગત મિત્ર હતા - છે. મહાભારતના કાળમાં શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે હસ્તિનાપુર આવતા ત્યારે પૂ. શ્રી અટલજીને મળવા જતા અને પાંડવો-કૌરવો અંગેની ચર્ચા થતી. એ વખતે પણ પૂ. શ્રી અટલબિહારી વાજપેયી રાજકારણના જાણકાર હતા, અને ભગવાન શ્રી વાસુદેવના પરમભક્ત હતા.
‘ભગવાન શ્રીકૃષ્ણના કહેવા થકી ફરી જનમ લઈને ન્યૂ દિલ્હી ગયા અને પ્રાઈમ મિનિસ્ટર બન્યા છે.’
મારી જેમ મતદારો ભલે ખાંડ ખાતા હોય કે તેમણે જ બિનસાંપ્રદાયિક એવા અટલજીને દિલ્હીના સિંહાસને બેસાડ્યા છે. પણ હકીકતે તો ભગવાન શ્રીકૃષ્ણે જ તેમને અહીં બેસાડ્યા છે અને અટલજી ગુણગ્રાહી હોવાને લીધે જ શ્રીરામમંદિરની વાત આવે છે ત્યારે આંખ અને કાન બન્ને મીંચી દે છે. પરંતુ શ્રીકૃષ્ણે તેમને ગાદી પર બેસવાનું કહેલું તે શ્રીકૃષ્ણ એમ કહેવાનું ભૂલી ગયા લાગે છે કે ‘અટલજી, હવે સ્વમાનભેર ઊઠી જાવ.’