Wed Sep 23 2026

Logo

શો-શરાબાઃ બાબુમોશાય, ફિલ્મ બડી હોની ચાહિયે, સિર્ફ લંબી નહીં!

2026-09-11 09:16:04
Author: Divyakant Pandya
શો-શરાબાઃ બાબુમોશાય, ફિલ્મ બડી હોની ચાહિયે, સિર્ફ લંબી નહીં!

દિવ્યકાંત પંડ્યા


છેલ્લાં કેટલાંક વર્ષોથી એક વાત વારંવાર સાંભળવા મળે છે કે આજના દર્શકોનો એટેન્શન સ્પાન ઘટી ગયો છે. આના માટે સોશ્યલ મીડિયા, રીલ્સ, શૉર્ટ વીડિયોઝ અને સતત સ્ક્રોલિંગની આદતને જવાબદાર ઠેરવવામાં આવે છે. ફિલ્મમેકર્સ, પ્રોડ્યુસર્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે લાંબી ફિલ્મ્સ હવે જોખમી સાબિત થઈ શકે છે. મલ્ટિપ્લેક્સ માલિકો પણ ટૂંકી ફિલ્મ્સને પસંદ કરતા હતા, કારણ કે દિવસમાં વધુ શો ચલાવી શકાય. લેખકોને સબપ્લોટ્સ કાપવાની, ગીતો ઘટાડવાની અને વાર્તાને સતત ઝડપમાં રાખવાની સલાહ આપવામાં આવતી હતી. જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં એક રસપ્રદ બદલાવ જોવા મળ્યો છે. ભારત અને દુનિયાની સૌથી મોટી હિટ ફિલ્મ્સ ફરી લાંબી થવા લાગી છે.


તાજેતરની કેટલીક મોટી ફિલ્મ્સ પર નજર કરીએ તો વાત સ્પષ્ટ થઈ જાય છે. ‘એનિમલ’ ત્રણ કલાક અને વીસ મિનિટથી પણ લાંબી હતી. ‘પુષ્પા 2: ધ રૂલ’ ત્રણ કલાકથી વધુ સમય ચાલે છે. ‘આર.આર.આર.’ પણ આરામથી ત્રણ કલાકનો આંકડો પાર કરે છે. ‘ધુરંધર’ જેવી નવી ફિલ્મ્સ હોય કે મોટા સ્કેલ પર બનેલી અન્ય ફિલ્મ્સ, હવે ફિલ્મમેકર્સ ફરીથી દર્શકોને ત્રણ કલાકથી વધુ સમય માટે થિયેટરમાં બેસાડવામાં ડરતા નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે દર્શકો પણ ખુશીથી આવી ફિલ્મ્સ જોઈ રહ્યા છે. થોડાં વર્ષ પહેલાં જે રનટાઇમને કમર્શિયલ જોખમ માનવામાં આવતું હતું, તે આજે ઘણી વખત ફિલ્મની વિશેષતા ગણાય છે.


આ વાતને ઘણી વખત વિરોધાભાસ તરીકે રજૂ કરવામાં આવે છે. જો લોકો આખો દિવસ ત્રીસ સેક્ધડની રીલ્સ જોતા હોય તો તેઓ ત્રણ-સાડા ત્રણ કલાકની ફિલ્મ કેવી રીતે જોઈ શકે? પરંતુ કદાચ જવાબ એટલો જ સરળ છે કે સમસ્યા એટેન્શન સ્પાનની ક્યારેય હતી જ નહીં. સમસ્યા ઇન્ટરેસ્ટ સ્પાનની હતી.  લોકો પોતાના એટેન્શન સ્પાન વિશે ફરિયાદ કરતા નથી જ્યારે તે એક જ વીકએન્ડમાં આખી વેબ સિરીઝ પૂરી કરી નાખે છે. કરોડો લોકો ત્રણ-ત્રણ કલાકના પૉડકાસ્ટ સાંભળે છે. ક્રિકેટપ્રેમીઓ પાંચ દિવસની ટેસ્ટ મૅચ જોતા રહે છે. ગેમર્સ કલાકો સુધી એક જ ગેમમાં ખોવાયેલા રહે છે એટલે માણસની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અચાનક ગાયબ થઈ ગઈ છે એવું માનવું મુશ્કેલ છે.


સિનેમાનો ઇતિહાસ પણ આ જ વાત સાબિત કરે છે. દુનિયાની ઘણી મહાન ફિલ્મ્સ ખૂબ લાંબી હતી. ‘ગોન વિથ ધ વિન્ડ’ લગભગ ચાર કલાક લાંબી હતી. ‘ધ ગોડફાધર પાર્ટ 2’ ત્રણ કલાકથી વધુ હતી. ‘ટાઇટેનિક’ ત્રણ કલાકથી વધુ ચાલી હતી. ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ની ફિલ્મ્સ લાંબા રનટાઇમ માટે જાણીતી છે. ‘શિન્ડલર્સ લિસ્ટ’ પણ ત્રણ કલાકથી વધુ સમય લે છે. કોઈ આ ફિલ્મ્સને તેમની લંબાઈ માટે યાદ નથી રાખતું. લોકો તેમને યાદ રાખે છે કારણ કે તે દર્શકોને પોતાની દુનિયામાં ખેંચી લેતી હતી.


ભારતમાં પણ હંમેશાં આવું જ રહ્યું છે. લાંબી ફિલ્મ્સ કોઈ નવી વાત નથી. હકીકતમાં ભારતીય સિનેમા તો લાંબી વાર્તાઓ પર જ ઊભું થયું છે. ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘શોલે’, ‘હમ આપકે હૈં કૌન’, ‘લગાન’ જેવી ફિલ્મ્સ ત્રણ કલાકની આસપાસ અથવા તેનાથી વધુ સમય ચાલતી હતી. પછી મલ્ટિપ્લેક્સ યુગ આવ્યો અને ચર્ચા બદલાઈ ગઈ. અચાનક રનટાઇમનો સંબંધ માત્ર વાર્તા સાથે નહીં, પરંતુ બિઝનેસ સાથે જોડાઈ ગયો. 


ટૂંકી ફિલ્મ એટલે વધુ શો. વધુ શો એટલે વધુ ટિકિટ વેચવાની સંભાવના. પછી આવી ‘ઇવેન્ટ સિનેમા’ની પેઢી. જ્યારે લોકો ‘અવેન્જર્સ: એન્ડગેમ’ જોવા જાય છે ત્યારે તેઓ માત્ર એક ફિલ્મ નથી જોતા. તે બધા દસ વર્ષથી ચાલી રહેલી સિનેમેટિક સફરનો અંત જોવા જાય છે. તેની રિલીઝ પહેલાં ઘણા લોકો પૂછતા હતા કે ત્રણ કલાકથી વધુ લાંબી ફિલ્મ માટે લોકો ટિકિટ ખરીદશે? બૉક્સ ઑફિસે તેનો જવાબ આપી દીધો. દર્શકોએ માત્ર ફિલ્મ સ્વીકારી જ નહીં, પરંતુ તેને ઊજવી, કારણ કે તેમને લાગતું હતું કે આ સફરનું સમાપન દરેક મિનિટને લાયક છે.


અલબત્ત, તેનો અર્થ એવો નથી કે દરેક લાંબી ફિલ્મ સારી જ હોય. લંબાઈ ક્યારેક તાકાત બની શકે છે અને ક્યારેક કમજોરી પણ. કેટલીક ફિલ્મ્સ ઊંડાણ અને લંબાઈ વચ્ચેનો તફાવત સમજતી નથી. એક જ લાગણીને વારંવાર દોહરાવે છે, દૃશ્યો ખેંચે છે અને સ્કેલને જ સ્ટોરીટેલિંગ માની લે છે. રસપ્રદ રીતે, ઓટીટી કલ્ચરે પણ લાંબી ફિલ્મ્સને ફાયદો પહોંચાડ્યો હોઈ શકે છે. આજે લોકો કલાકો સુધી એક જ દુનિયા અને પાત્રો સાથે સમય વિતાવવાની આદત પાડી ચૂક્યા છે. થિયેટરને હવે એવું કંઈક આપવું પડે છે જે ઓટીટી આપી ન શકે.


શક્ય છે કે ભવિષ્ય બે અતિરેક વચ્ચે વહેંચાઈ જાય. એક બાજુ રીલ્સ અને શૉર્ટ-ફૉર્મ ક્ધટેન્ટ. બીજી બાજુ વિશાળ પૉડકાસ્ટ્સ, બિન્જ-વર્થી સિરીઝ અને ત્રણ કલાકની મોટી ફિલ્મ્સ. મધ્યમ જગ્યા કદાચ ધીમે ધીમે નાની થતી જશે. આ સ્થિતિ થોડી ઘણી ટી-20 અને ટેસ્ટ ક્રિકેટ જેવી છે. લોકો ક્યારેક ખૂબ ટૂંકું અને ક્યારેક ખૂબ લાંબું ક્ધટેન્ટ જોવાનું પસંદ કરે છે. શરત માત્ર એટલી છે કે મનોરંજન દેવની કૃપાથી સિનેમા ક્ધટેન્ટ તેમને કંઈક આપે!


લાસ્ટ શોટ

એક સારી ત્રણ કલાકની ફિલ્મ ઘણી વખત નબળી સો મિનિટની ફિલ્મ કરતાં પણ ટૂંકી લાગે છે.