Sat Aug 29 2026

Logo

લોહગઢ હત્યાકાંડ: કોર્ટમાં રજૂ કરતા સિયા ગોયલે કેમેરા સામે કર્યા અશ્લીલ ઇશારા, વીડિયો થયો વાઈરલ

2026-07-03 09:38:00
Author: Darshana Visaria
લોહગઢ હત્યાકાંડ: કોર્ટમાં રજૂ કરતા સિયા ગોયલે કેમેરા સામે કર્યા અશ્લીલ ઇશારા, વીડિયો થયો વાઈરલ

પુણે: લોહગઢ કિલ્લા પરથી કેતન અગ્રવાલની ધક્કો મારીને હત્યા કરવાના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આટલો ગંભીર ગુનો કર્યા પછી પણ મુખ્ય આરોપી સિયા ગોયલના વર્તનમાં કોઈ પસ્તાવો નથી અને તેની ઉદ્ધતાઈ હજુ પણ અકબંધ છે, જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને ટીકા થઈ રહી છે. ગઈકાલે તપાસ દરમિયાન પોલીસ તેને ઘટનાસ્થળ સાથે જોડાયેલા અલગ-અલગ વિસ્તારોમાં લઈ ગઈ ત્યારે સિયાએ મીડિયાના કેમેરા તરફ જોઈને અશ્લીલ અને વાંધાજનક ઇશારા કર્યા હતા.

કેતન અગ્રવાલ હત્યા કેસમાં ધરપકડ કરાયેલી આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીના પોલીસ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. આજે બપોરે પુણે ગ્રામીણ પોલીસ આ બંનેને કોર્ટમાં રજૂ કરશે અને પોલીસ તેમના વધુ બે દિવસના રિમાન્ડની માંગણી કરે એવી શક્યતા છે. રિમાન્ડ પૂરા થવાના હોવાથી ગુરુવારે પોલીસ સિયાને તપાસ માટે તેના ઘરે અને ગુના સંબંધિત અન્ય સ્થળોએ લઈ ગઈ હતી.

જ્યારે પોલીસ સિયાને તપાસ પૂરી કરીને ઘરની બહાર કાઢી ગાડી તરફ લઈ જઈ રહી હતી, ત્યારે ત્યાં કવરેજ માટે એકઠા થયેલા મીડિયા પ્રતિનિધિઓના કેમેરા તરફ જોઈને સિયાએ અશ્લીલ હાવભાવ કર્યા હતા. વાઈરલ વીડિયોમાં તે કેમેરા સામે 'મિડલ ફિંગર' બતાવીને વાંધાજનક પ્રતિભાવ આપતી જોવા મળી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આ કૃતિ અત્યંત અશ્લીલ, અપમાનજનક અને ગાળ આપવા બરાબર માનવામાં આવે છે. મહિલા પોલીસ કર્મચારીઓ તેને પકડીને લઈ જઈ રહ્યા હોવા છતાં તેણે જમણા હાથે આ અશોભનીય હરકત કરી હતી.

આ હાઈ પ્રોફાઈલ મર્ડર કેસના મૂળ સુધી પહોંચવા અને તપાસમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવા માટે પોલીસ સિયા ગોયલ અને ચેતન ચૌધરીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. પુણે ગ્રામીણ પોલીસ આજે કોર્ટ પાસે આ ટેસ્ટ માટેની મંજૂરી માંગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિયાએ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે પોતાની સંમતિ આપી દીધી છે.

આ વૈજ્ઞાનિક ટેસ્ટ બાદ બંને આરોપીઓના નિવેદનો ફરીથી નોંધવામાં આવશે. તેમણે અત્યાર સુધી પોલીસને આપેલા જવાબો કેટલા સાચા છે તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવશે, જેના આધારે પોલીસ તપાસની આગળની દિશા નક્કી કરશે. આ પ્રક્રિયાથી કેતનની હત્યા પાછળના ઘણા મોટા અને મહત્વના પુરાવાઓ સામે આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.