Tue Mar 10 2026

Logo

લોકલ ક્રિકેટ લીગના નિમિત્તે રાષ્ટ્રીય બ્રાન્ડ બનવાની અચ્છી તક

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી

બ્રાન્ડ હંમેશાં એવી પ્રોપર્ટીની તલાશમાં હોય છે. જેની સાથે તે સંકળાઈ શકે. ઉદાહરણ તરીકે એક સમયે મુંબઈમાં થતી મેરેથોન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સ્પોન્સર કરતી અને થોડાં વર્ષોથી ટાટા ગ્રુપ તેને સ્પોન્સર કરે છે. ટીવીમાં અમુક રિયાલિટી શો સાથે લોકો જોડાવા માગે છે, જેમકે કૌન બનેગા કરોડપતિ કે પછી બિગબોસ, ઇન્ડિયન આઇડોલ વગેરે. આવી જ એક મોટી પ્રોપર્ટી છેલ્લા 18-19 વર્ષોથી ભારતમાં ઉભરી આવી છે અને તે એટલે IPL. એક સમય હતો જયારે બ્રાન્ડના માર્કેટિંગ પ્લાનમાં દિવાળી માટે ખાસ અલગથી બજેટ રાખવામાં આવતું. આજે બ્રાન્ડ માટે આવી જ બીજી એક મોટી તક IPL આપે છે, જેના માટે બ્રાન્ડ અલગથી સારું એવું બજેટ પ્લાન કરે છે. ક્રિકેટની અને સ્પોર્ટ્સ જગતની મોટી લિગોમાંની આ એક આગવી લીગ કહી શકાય.

IPL ભારતીય ક્રિકેટ માટે નિર્વિવાદપણે એક મોટી પ્રોપર્ટી બની ચુકી છે, જેમાં મોટી બ્રાન્ડો ભારે રોકાણ કરે છે, કારણ કે તે મોટા કેનવાસ થકી બ્રાન્ડને સ્કેલ, વિઝિબિલિટી અને જોઈતી ઓળખ એ પ્રદાન કરે છે. તે રમતગમત, મનોરંજન અને વેપાર કેવી રીતે એકરૂપ થઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

આ તો થઇ મોટી પ્રોપર્ટી અને મોટી બ્રાન્ડની વાતો, હવે પ્રશ્ન એ છે કે આવી સફળતા કોઈ નાની બ્રાન્ડ પ્રાપ્ત કઈ રીતે કરી શકે?

 શું આવી પ્રોપર્ટીઓ નાની બ્રાન્ડ માટે પણ બનાવવી શક્ય છે?

આપણે જાણીયે છીએ કે કોઈ પણ એક પ્રોડક્ટ કે બ્રાન્ડ પ્રખ્યાત થઇ જાય તો તેની પાછળ એવાજ પ્રોડક્ટ માર્કેટમાં આવે છે. કોઈપણ એક ટીવી રિયાલિટી શો પ્રખ્યાત થાય કે તેના જેવા બીજા શો બીજી ચેનલોમાં જોવા મળે છે. બસ,  આ વાત IPL જેવી લીગની સાથે પણ થઇ છે. આજે રાજ્યો, શહેરોથી લઈને સોસાયટી સ્તરે આવી ટુર્નામેન્ટો જોવા મળે છે. સેલિબ્રિટી લીગ પણ થઇ રહી છે. મોટા મોટા સેલિબ્રિટી અને ભૂતપૂર્વ ખેલાડીઓ આવી ટીમ ખરીદે છે. સિઝન બોલ નહિ પણ ટેનિસ બોલની લીગ પણ મોટા પાયે ખેલાય છે. 

IPL જેવા પ્રાઇમ ટાઇમ બ્રોડકાસ્ટની ઝગમગાટની બહાર એક વિશાળ, ઓછી પ્રખ્યાત આવી લીગ્સ પણ છે ,  જ્યાં ક્રિકેટરોની આગામી પેઢી આકાર લઈ રહી છે. ભારત દેશ ક્રિકેટ પ્રેમી દેશ છે, અહીં ક્રિકેટ ફક્ત જોવાતી નથી પણ ઘરે ઘરે રમાય છે. હરેક ગલીમાં એક સચિન કે વિરાટ બનવાનું સપનું લઇ લોકો આ ખેલમાં ઓતપ્રોત થાય છે. આવા સમયે પ્રાદેશિક લીગ અને રાજ્ય સ્તરની ટુર્નામેન્ટોમાં ફક્ત નવા નવા ખેલાડીઓ મળે છે પણ નાની બ્રાન્ડ માટે પણ મોટી તક લઈને આવે છે. આપણે મહારાષ્ટ્રમાં રહીયે છીએ તેથી આપણી જાણ ખાતર મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ અને મુંબઈ ક્રિકેટ લીગ જેવી લીગ એક વેપાર અને ક્રિકેટ થકી મનોરંજનનું ઇકોસિસ્ટમ ઊભું કરે છે.

બ્રાન્ડના દૃષ્ટિકોણથી, આ પ્લેટફોર્મ એમને માટે કંઈક એવું પ્રદાન કરે છે જે ઈંઙક જેવી મોટી પ્રોપર્ટી ના આપી શકે. નાની બ્રાન્ડ માટે આવી પ્રોપર્ટી સાથે જોડાવાની તક રહે છે. આમાં પ્રવેશ મેળવવા માટે અવરોધો પણ ઓછા છે અને સૌથી મહત્ત્વનું આના દ્વારા ટાયર 1 અને ટાયર 2 શહેરોની પરેના બજારોમાં પ્રવેશ કરવાની તક મળે છે. નાની અથવા પ્રાદેશિક બ્રાન્ડસ માટે આ ફક્ત સ્પોન્સરશિપની વાત નથી પણ તે મહત્ત્વાકાંક્ષા, એક ચોક્કસ સમુદાય સાથે જોડાવાની અને સ્ટારડમ મેળવવાની ચાવી છે.

હરેક પ્રાદેશિક બ્રાન્ડનું સપનું હોય છે રાષ્ટ્રીય સ્તરની બ્રાન્ડ બનવાનું. નાના શહેરની અથવા પ્રાદેશિક બ્રાન્ડની પણ મહત્ત્વાકાંક્ષા હોય છે કે તે પણ મોટી બ્રાન્ડની જેમ વર્તે-એની જેમ તેને સ્પોન્સર્શિપ મળે...

ભાવનાત્મક રીતે આને સમજીયે તો આવા વેપારીઓ માટે આ અમૂલ્ય તક છે આવા ફલક પર લાવવાની અને મોટી બ્રાન્ડોને જાણ કરવાની કે ‘અમે આવી રહ્યા છીએ...!’ 

આને એક વ્યૂહાત્મક રીતે જોઈએ તો, પ્રાદેશિક લીગમાં આજે જે ખેલાડી ચમકશે તે આવતીકાલે IPLની હરાજીમાં દેખાશે અને મોટા ભાવે ખરીદાશે, મોટું નામ બનશે. આથી બ્રાન્ડ્સ માટે શરૂઆતમાં આવા ખેલાડીઓ સાથે જોડાવું ફાયદામંદ સાબિત થશે, કારણ કે જેમ જેમ આવા ખેલાડી રેન્કમાં આગળ વધશે, તેમ તેમ બ્રાન્ડ તેમની સાથે આગળ વધશે. ખેલાડીની સાથે બ્રાન્ડની ઇક્વિટીમાં પણ વધારો થશે.

બ્રાન્ડ માટે પોતાની આર્થિક ક્ષમતાના આધારે આવી લીગ સાથે જોડાવાના રસ્તા મળી જશે. આ લીગની ટીમોનું પણ એક બજેટ હશે જે તેમને સ્પોન્સરશિપ થકી કમાવું પડશે.

બ્રાન્ડ આનો ફાયદો પોતા માટે કરી શકશે. બ્રાન્ડે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે એકાદ સિઝન નહિ પણ લાંબા ગાળા સુધી એ જોડાયેલા રહે, જે એને નવી ઓળખ પ્રદાન કરશે. નવાં આજુબાજુનાં શહેરોમાં તેઓને એન્ટ્રી મળશે. આ વાત મોટી બ્રાન્ડ માટે પણ જરૂરી છે, 
જયારે એ નાનાં શહેરોમાં વિસ્તરવાનું વિચારતા હોય. બ્રાન્ડને નામ, નવી ઓળખાણ, નવી વિચારધારા અને નવી દિશા આવી પ્રોપર્ટીઓ પ્રદાન કરશે જે તેમના રાષ્ટ્રીય બ્રાન્ડ બનવાનાં સપનાને આકાર આપશે ...