Tue Oct 06 2026

Logo

Litchi Capital of India: દેશની અડધાથી વધુ લીચી માત્ર આ એક જ રાજ્યમાં પાકે છે, નામ જાણીને ગર્વ થશે...

2026-06-02 13:55:00
Author: Darshana Visaria
Litchi Capital of India: દેશની અડધાથી વધુ લીચી માત્ર આ એક જ રાજ્યમાં પાકે છે, નામ જાણીને ગર્વ થશે...

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બજારોમાં સરસ મીઠા-મધુરા આંબાની સાથે સાથે લાલ, રસીલી અને મીઠી લીચીના ઝૂમખાંઓ જોઈને મોમાં પાણી આવી જ જાય. મે અને જૂન મહિનામાં મળતું આ ફળ માત્ર પોતાની અદ્ભુત મીઠાશથી લોકોને તાજગી જ નથી આપતું, પરંતુ શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. લીચીના ઉત્પાદન મામલે આપણો ભારત દેશ આખા વિશ્વમાં બીજા નંબરે આવે છે. પરંતુ, તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે દેશની કુલ લીચીનો એક બહુ મોટો હિસ્સો કોઈ એક જ રાજ્યના ખાસ જિલ્લાઓમાંથી આપણા સુધી પહોંચે છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ... 

દેશમાં સૌથી વધુ લીચી પેદા કરનારા રાજ્યની વાત આવે છે ત્યારે આ યાદીમાં બિહારનું નામ સૌથી ઉપર ચમકે છે. બિહારમાં પણ ઉત્તર બિહારનો વિસ્તાર લીચીના વિશાળ બગીચાઓ માટે જાણીતો છે. આ બેલ્ટમાં 'મુઝફ્ફરપુર' સૌથી ખાસ જિલ્લો છે, જેને પૂરા ગૌરવ સાથે ભારતની 'લીચી રાજધાની' એટલે કે 'લીચી કેપિટલ' કહેવામાં આવે છે.

મુઝફ્ફરપુરની અસલી ઓળખ અહીંની વિશ્વપ્રસિદ્ધ 'શાહી લીચી' છે, જેની મીઠાશ અને સુગંધની તોલે કોઈ આવી શકે તેમ નથી. મુઝફ્ફરપુર ઉપરાંત વૈશાલી, સમસ્તીપુર અને પૂર્વ ચંપારણ જિલ્લામાં પણ ખેડૂતો મોટા પાયે લીચીની કમર્શિયલ ફાર્મિંગ કરે છે.

આંકડાની નજરે ભારતમાં લીચીની ખેતી
ભારતના ઉત્તર અને પૂર્વ વિસ્તારો આજે લીચીના મુખ્ય કેન્દ્રો છે. હાલમાં દેશમાં આશરે 0.1 મિલિયન (એક લાખ) હેક્ટર કરતાં પણ વધુ મોટા કૃષિ ક્ષેત્ર પર લીચીના બગીચાઓ ફેલાયેલા છે. સરકારી અને વ્યાપારિક આંકડાઓ મુજબ, ભારતનું વાર્ષિક કુલ લીચી ઉત્પાદન આશરે 7.2થી 7.5 લાખ મીટ્રિક ટન જેટલું નોંધાયું છે. તેની વધતી માંગ અને નફાને જોઈને હવે પરંપરાગત ખેતી છોડીને ઘણા પ્રગતિશીલ ખેડૂતો લીચીના બગીચા તરફ વળી રહ્યા છે.

બિહારમાં જ સૌથી વધુ અને સ્વાદિષ્ટ લીચીનું ઉત્પાદન થવા પાછળ ત્યાંની ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે. ઉત્તર બિહારની આબોહવા લીચીના છોડના વિકાસ માટે એકદમ અનુકૂળ છે, જ્યાં શિયાળામાં હળવી ઠંડી હોય છે અને ઉનાળામાં અતિશય ગરમ લૂ નથી ચાલતી. આ સિવાય, ગંગા નદીના વહાવ ક્ષેત્રમાંથી આવતી ફળદ્રુપ કાંપની માટી આ છોડને ભરપૂર પોષણ આપે છે. આ માટીમાં વર્ષભર કુદરતી ભેજ જળવાઈ રહે છે, જે લીચીને વધુ રસીલી બનાવે છે.

સ્વાદની સાથે સેહત માટે પણ વરદાન છે લીચી
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, લીચી માત્ર સ્વાદમાં જ અવ્વલ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ઔષધિ સમાન છે-
⦁    ઈમ્યુનિટી બૂસ્ટર: લીચીમાં મોટા પ્રમાણમાં વિટામિન C હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી ઉનાળાના સંક્રમણથી બચાવે છે.
⦁    શરીરને રાખે હાઇડ્રેટેડ: તેમાં રહેલું પુષ્કળ પાણીનું પ્રમાણ (લિક્વિડ કન્ટેન્ટ) તડકા અને ગરમીથી ઝુલસેલા શરીરને ત્વરિત આંતરિક ઠંડક અને તાજગી આપે છે.
⦁    હાર્ટ હેલ્થ માટે બેસ્ટ: લીચીનું મર્યાદિત પ્રમાણમાં નિયમિત સેવન કરવાથી શરીરને પોટેશિયમ અને શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે, જે હૃદયની કાર્યપ્રણાલીને બહેતર રાખે છે.
⦁    પાચન અને સ્કીન ગ્લો: આમાં રહેલા ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને પેટની સમસ્યાઓ દૂર રાખે છે. સાથે જ તેના સેવનથી સ્કીન સેલ્સ હાઇડ્રેટેડ રહે છે અને ત્વચામાં કુદરતી નિખાર આવે છે.