Sat May 02 2026

Logo

મેસી આર્જેન્ટિનામાં `છેલ્લી' મૅચ રમ્યો, ચાહકોએ બૂમો પાડીને ડિમાન્ડ કરી કે...

Buenos Aires   2026-04-01 18:02:33
Author: Ajay Motiwala
Article Image

Reuters


બ્વેનોઝ એર્સ (આર્જેન્ટિના): ફૂટબૉલ જગતના ગ્રેટેસ્ટ ખેલાડીઓમાં ગણાતો લિયોનલ મેસી (Messi) મંગળવારે રાત્રે આર્જેન્ટિનામાં લગભગ છેલ્લી મૅચ રમ્યો છે જેમાં તેણે ઝામ્બિયા (Zambia) સામે વિજય અપાવ્યો હતો અને મૅચ દરમ્યાન પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું બહુમાન કર્યું હતું તેમ જ મોટે મોટેથી બૂમો પાડીને `આ વખતે પણ વર્લ્ડ કપ જિતાડજે' એવી માગણી કરી હતી.

છેલ્લે 2022નો ફિફા વર્લ્ડ કપ આર્જેન્ટિના મેસીના સુપર પર્ફોર્મન્સ સાથે જીત્યું હતું અને હવે આગામી 11મી જૂને શરૂ થનારો વિશ્વ કપ 38 વર્ષીય મેસીનો કદાચ અંતિમ છે. આ ટૂર્નામેન્ટ અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં રમાશે.

મંગળવારે ઝામ્બિયા સામે ફ્રેન્ડ્લી (Friendly) મૅચ રમાઈ હતી જેમાં આર્જેન્ટિનાનો 5-0થી વિજય થયો હતો. મેસીએ ચોથી જ મિનિટમાં જુલિયન અલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરી હતી અને પછી 43મી મિનિટમાં પોતે પણ એક ગોલ કર્યો હતો. નિકોલસ ઑટામેન્ડી અને વૅલેન્ટિન બાર્કોએ પણ ગોલ કર્યા હતા.

આર્જેન્ટિનાનો પર્ફોર્મન્સ થોડા સમયથી નબળો પડ્યો છે જેને પગલે કોચ લિયોનેલ સ્કૅલોનીએ ટીમને ધમકી આપી છે કે જો ટીમ પર્ફોર્મન્સ નહીં સુધારે તો વર્લ્ડ કપ માટેની 26 ખેલાડીની ટીમ નક્કી કરવામાં તેઓ કેટલાક આકરા નિર્ણયો લેશે. વર્લ્ડ કપમાં પહેલી વખત 48 દેશ ભાગ લેશે અને દરેક ટીમે 30મી મે સુધીમાં ફિફાને ટીમનું લિસ્ટ આપી દેવું પડશે.