Wed Sep 02 2026

Logo

એન. એસ. રાજા સુબ્રમણિ બનશે નવા CDS, જાણો દર મહિને તેમને મળશે કેટલો પગાર?

2026-05-09 12:19:00
Author: Darshana Visaria
એન. એસ. રાજા સુબ્રમણિ બનશે નવા CDS, જાણો દર મહિને તેમને મળશે કેટલો પગાર?

ભારતની ત્રણેય પાંખ એટલે કે આર્મી, એર ફોર્સ અને નેવી વચ્ચે સુમેળ અને સુસંવાદિતા સાધવા માટેનું સૌથી મહત્વનું ગણાતું પદ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ.  સીડીએસના આ પદ માટે આજે જ નવા નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ (નિવૃત્ત)ને દેશના નવા સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે શું તમને ખબર છે કે આખરે સીડીએસને દર મહિને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? ચાલો તમને આ વિશે જણાવીએ...

લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ 30મી મે, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. વાત કરીએ કોણ છે લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિની તો તેઓ ભારતીય સેનામાં લાંબો અને અનુભવી સૈન્ય પ્રવાસ ધરાવે છે.

વર્તમાનમાં તેઓ પહેલી સપ્ટેમ્બર 2025થી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરિએટમાં મિલિટ્રી એડવાઈઝર તરીકે કાર્યરત છે. જ્યારે તેઓ પહેલી જુલાઈ 2024થી 31મી જુલાઈ 2025 સુધી આર્મી સ્ટાફના વાઈસ ચીફ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે પણ સેવા આપી છે. સેનામાં વિવિધ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા બાદ, હવે તેઓ દેશના સર્વોચ્ચ સૈન્ય પદની કમાન સંભાળશે.

સીડીએસ પદની અગત્યતા અને પગાર વિશે વાત કરીએ તો ભારતમાં વર્ષ 2020માં સીડીએસ પદની રચના કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય સેનાઓ વચ્ચે એકતા અને ઝડપી સંરક્ષણ નિર્ણયો લેવાનો છે. સીડીએસનું પદ ફોર-સ્ટાર જનરલની સમકક્ષ હોય છે. તેમને દર મહિને અંદાજે 2 50,000 રૂપિયાનો ફિક્સ પગાર મળે છે.

સીડીએસને દર મહિને વાખો રૂપિયાના પગાર ઉપરાંત સરકારી આવાસ, સ્ટાફ, સુરક્ષા, મુસાફરી સુવિધા અને અન્ય અનેક ભથ્થાંઓ પૂરા પાડવામાં આવે છે. તેઓ સરકારને સૈન્ય બાબતોમાં સલાહ આપે છે અને યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિમાં ત્રણેય પાંખ વચ્ચે કડી તરીકે કામ કરે છે.

છે ને એકદમ ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.