નવી દિલ્હીઃ સીબીઆઈએ રિલાયન્સ કમ્યુનિકેશન્સના પૂર્વ અધ્યક્ષ અનિલ અંબાણી અને અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ મોટા બેંકિંગ અને રોકાણમાં કૌભાંડની FIR નોંધી છે. આ કેસમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) સાથે સંકળાયેલો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એલઆઈસી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના આરોપ સાથે અનિલ અંબાણી સાથે અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ પહેલા પણ અનિલ અંબાણી સામે છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે, તેમાં હવે એક નવી એફઆઈઆર નોંધવામાં આવી છે.
3750 કરોડના નુકસાન અંગે નોંધાઈ એફઆઈઆર
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ કેસ લગભગ 3750 કરોડ રૂપિયાના કૌભાંડનો છે. વિગતે વાત કરવામાં આવે તો, LICએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા જારી કરાયેલા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)માં કુલ 4500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમાંથી 3000 કરોડ 2009માં અને 1500 કરોડ 2012માં રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં 3750 કરોડ રૂપિયાની રકમ બકાયા તરીકે બાકી છે, જેના કારણે ધોખાધડીના આરોપો ઉભા થયા છે. આ કેસમાં LICના રીજનલ મેનેજર (લીગલ) મનોજ કુમાર તેજનની ફરિયાદના આધારે સીબીઆઈ દ્વારા FIR નોંધવામાં આવી છે.
CBI એ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
રોકાણ દરમિયાન જાણીજોઈને LICને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ એલઆઈસી દ્વારા આરોપ લગાવવાં આવ્યો છે. FIRમાં કેટલાક અજ્ઞાત સરકારી અધિકારીઓની ભૂમિકા પણ સંદિગ્ધ ગણાઈ રહી છે, જેની તપાસ કરવામાં આવશે. CBI આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી કૌભાંડનું કારણ અને જવાબદાર વ્યક્તિઓની ઓળખ થઈ શકશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે કે, આટલું મોટું રોકાણ કેવી રીતે ડૂબી ગયું અને તેના માટે જવાબદાર લોકો કોણ છે? પરંતુ આમાં અનિલ અંબાણીનું નામ પ્રકાશમાં આવ્યું તેના કારણે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.