ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
યુએસ - ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિજય કોઈપણ પક્ષનો થાય, યુદ્ધના અંતે તો તારાજી, ખુવારી તો બંને પક્ષે થતી હોય છે. વિખ્યાત ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો 2400 વર્ષ પહેલા કહી ગયા છે કે યુદ્ધનો અંત તો મૃત્યુ પામેલી વ્યક્તિ જ જુએ છે. એનો ગૂઢાર્થ એ છે કે યુદ્ધ ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત નથી થતું. જીવંત લોકો હંમેશાં સંઘર્ષ અને તેની અસરોનો સામનો કરે છે, મૃત્યુ પામેલી વ્યક્તિ જ યુદ્ધમાંથી મુક્તિ મેળવી શકે છે. આજની તારીખમાં વિશ્વના અનેક લોકો એનો અનુભવ કરી રહ્યા છે. લડવું - ઝઘડવું - બાખડવું, યુદ્ધ, લડાઈ, મારમારી, મુકાબલો, સંગ્રામ, વિગ્રહ, જંગ... નામરૂપ જૂજવા અંતે તો યુદ્ધનું યુદ્ધ જ હોય. વિનાશ તરફ આંગળી ચીંધતા આ શબ્દો ભાષામાં પણ વણાઈ ગયા છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ એની હાજરી જોવા મળે છે. અલબત્ત ભાષાપ્રયોગો એકબીજા સાથે લડાઈ કે યુદ્ધ નથી કરતા એ સારી વાત છે.
આખલા લડે એમાં ઝાડવાં ભાંગે (અથવા ઘણીવાર આખલા લડે એમાં ઝાંખરા ભાંગે) કહેવતનો ભાવાર્થ આંખ ઉઘાડી નાખનારો છે. બે મોટા કે શક્તિશાળી લોકો (આખલા) વચ્ચે ઝઘડો કે લડાઈ થાય છે, ત્યારે તેનું નુકસાન નજીકમાં રહેલા નિર્દોષ કે નાના લોકો (ઝાડવાં/ઝાંખરા) ને ભોગવવું પડે છે. વ્યવહારુ સમજણ આપતી કહેવત છે કે યુદ્ધે લડીએ, પણ ગજવે ન લડીએ. આ કહેવત ગુજરાતીઓની અને ખાસ તો વાણિયા બુદ્ધિની તાસીર વ્યક્ત કરે છે. જરૂર પડ્યે લડી લેવામાં કશું ખોટું નથી, પણ એમ કરવા જતા ગજવું ખાલી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, મતલબ કે આર્થિક નુકસાન ન થાય એની તકેદારી રાખવી. એટલે જ વેપારી વર્ગ ચીનથી આવતા માલનો બહિષ્કાર કરે છે, પણ પછી એ જ માલ વાયા સિંગાપોર મગાવી બિઝનેસ ચાલુ રાખવાની સ્માર્ટનેસ ધરાવે છે. એક અર્થમાં કુશાગ્ર વિદેશ નીતિનો આ મુદ્દો હોઈ શકે છે. લડી છૂટજો પણ મરી ના છૂટશો કહેવતમાં પણ આ જ ભાવ જોવા મળે છે. લડાઈનું રોગ હાંસી ને રોગનું ઘર ખાંસી બહુ જાણીતી પણ અત્યંત માર્મિક કહેવત છે. મશ્કરી, મજાક અથવા કરેલી ફજેતી લડાઈને આમંત્રણ આપે છે. અહીં હાંસી શબ્દને વિશાળ અર્થમાં સમજવો જરૂરી છે. કોઈના અભિમાન કે ગર્વને ઠેસ પહોંચાડવાથી પણ યુદ્ધ થાય છે અને ઈતિહાસના ચોપડે એના અનેક ઉદાહરણ નોંધાયેલા જોવા મળશે. યુદ્ધ - લડાઈમાં માર પણ પડે. કોઈ માર જીવલેણ હોય તો કોઈ એવો હોય જેમાંથી હિંમતવાન વ્યક્તિ ઉગરી જાય. આ દર્શાવતી કહેવત છે માર, મરચું ને દારૂ, એ ત્રણ મરદને સારું, પચાવે તો સારું, નહીંતર સોમલ કરતાં વારુ. માર ખાધા પછી એ સહન કરવાની તાકાત મરદ માણસમાં જ હોય. જો એ સહન ન થાય તો સોમલ એટલે કે ઝેરની અસર કરી વિકટ પરિસ્થિતિમાં મૂકી દે. જે મારે એજ તારે, મતલબ કે હેરાન કરે એજ હરખ પણ કરાવે એ મતલબની કહેવતો જાણવા જેવી છે. મારનાર પણ તું અને બચાવનાર પણ તું કે મારનાર પણ તું, તારનાર પણ તું અથવા જે મારતું તે પોષતું. આ ત્રણેય કહેવતમાં ભાવની સમાનતા છે. આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે કે કામધંધો કશો કરવો નહીં ને મોટાં બણગાં ફૂંક્યાં કરવા. મારવી માખ ને ચડાવવી તોપ કહેવતમાં આ ભાવ સુપેરે વ્યક્ત થાય છે.
युद्धाच्या म्हणी
યુદ્ધ સંદર્ભની અનેક કહેતો વિવિધ ભાષાઓમાં એકબીજા સાથે લડ્યા વિના હળીમળીને રહે છે. યુદ્ધની કહેવતો શૌર્ય, રણનીતિ અને વિજયના મહત્ત્વ પર પ્રકાશ ફેંકે છે. સૌથી જાણીતી કહેવત છત્રપતિ શિવાજી મહારાજના સમયકાળની છે: गड आला पण सिंह गेला. शिवाजी महाराजांचे अत्यंत विश्वासू आणि शूर सरदार तानाजी मालुसरे यांनी कोंढाणा किल्ला जिंकून स्वराज्यात आणला, परंतु स्वतःचा प्राण गमावला. या विजयानंतर शिवाजी महाराज अत्यंत दुःखी होऊन म्हणाले, गड आला पण सिंह गेला. तानाजींच्या पराक्रमामुळे कोंढाण्याचे नाव 'सिंहगड' ठेवण्यात आले. શિવાજી મહારાજના શૂરવીર સેનાપતિ તાનાજી માલસુરે કોંઢાણા કિલ્લો જીતી લીધો, પણ તેમના પ્રાણ જતા રહ્યા. આ જોઈ વ્યથિત મહારાજ બોલ્યા કે 'ગઢ પ્રાપ્ત થયો,પણ સિંહ જેવો સરદાર ગુમાવ્યો. તાનાજીના પરાક્રમને પગલે કોંઢાણા કિલ્લાનું નામ 'સિંહગઢ' રાખવામાં આવ્યું હતું. ભવ્ય વિજય પાછળનું બલિદાન પણ ભવ્ય હોય છે એ ભાવ અહીં પ્રગટ થાય છે. आधी लगीन कोंढण्याचे, मग माझ्या रायबाचे: वैयक्तिक सुखापेक्षा देशाचे किंवा युद्धाचे काम महत्त्वाचे मानणे. આ કહેવત પણ તાનાજી માલસુરેના સંદર્ભમાં છે. आपला मुलगा रायबाच्या लग्नाआधी कोंढाणा (सिंहगड) किल्ला जिंकण्याचे ध्येय पूर्ण करण्यासाठी वापरले होते. १६७० मध्ये कोंढाणा मोहिमेवर जाताना त्यांनी स्वतःच्या वैयक्तिक आनंदापेक्षा स्वराज्य रक्षणाला प्राधान्य दिले. તાનાજીના પુત્રના લગ્ન લેવાના હોય છે, પણ કોંઢાણા કિલ્લો (સિંહગઢ) જીત્યા પછી જ પુત્ર લગ્ન થશે એવી ભાવનામાં અંગત આનંદ કરતા સ્વરાજ રક્ષણને પ્રાધાન્ય આપવાની ઉદાત્ત ભાવના વ્યક્ત થાય છે. બીજી એક કહેવત છે होता जीवा म्हणून वाचला शिवा. प्रतापगडाच्या युद्धात अफजलखानाचा वध केल्यानंतर, खानाचा अंगरक्षक 'सय्यद बंडा' याने छत्रपती शिवाजी महाराजांवर अचानक तलवार चालवली होती. अशा अत्यंत कठीण प्रसंगात, महाराजांचे निष्ठावान अंगरक्षक जीवा महाले (जिवाजी महाले) यांनी समयसूचकता आणि शौर्य दाखवून सय्यद बंडाचा वार अडवला व त्याचा वध केला. जिवा महाले वेळेवर हजर होते, म्हणून शिवाजी महाराज वाचले, या घटनेवरून "होता जिवा म्हणून वाचला शिवा" ही म्हण प्रसिद्ध झाली. પ્રતાપગઢ યુદ્ધમાં અફઝલખાનનો વધ કર્યા પછી અફઝલનો અંગરક્ષક સય્યદ બંડા શિવાજી મહારાજ પર ધસી ગયો હતો. જોકે, મહારાજના અંગરક્ષક જીવાજી મહાલેની સમયસૂચકતા અને હિંમતને કારણે શિવાજી મહારાજને ઊની આંચ ન આવી. આ પ્રસંગ પરથી કહેવત પડી કે જીવા (જીવાજી મહાલે) હતો એટલે શિવા (શિવાજી મહારાજ) ઉગરી ગયા.
युद्ध की कहावतें
યુદ્ધમાં કોઈનો વિજય થાય, કોઈનો પરાજય થાય, પણ વિનાશ તો બંને પક્ષે થાય એ અટળ હહોય છે. યુદ્ધનું સત્ય હાર- જીત નહીં, પણ વિનાશ છે. યુદ્ધની કરુણા પ્રતિબિંબિત કરતા કેટલાક વિધાન જાણવા અને સમજવા જેવા છે. युद्ध यह तय नहीं करता कि कौन सही है, केवल यह तय करता है कि कौन बच गया. યુદ્ધ સમાપ્ત થયા પછી કોણ યોગ્ય અથવા કોણ અયોગ્ય એને બદલે કોણ બચી ગયું - ઉગરી ગયું એ યુદ્ધનું અંતિમ સત્ય છે. યુદ્ધ કેવું સર્વનાશી હોય છે એ વાત यदि हम युद्ध को समाप्त नहीं करते हैं, तो युद्ध हमें समाप्त कर देगा વિધાનમાં ધારદાર રીતે વ્યક્ત થાય છે. યુદ્ધ કરતા લોકો જો હથિયાર હેઠા મૂકી યુદ્ધ સમાપ્તિનો નિર્ધાર નહીં કરે તો યુદ્ધ જ તેમને સમાપ્ત કરી દશે. મતલબ કે એમનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે. સહજ રીતે કેવી ગહન વાત કહેવાઈ ગઈ છે. યુદ્ધની માનસિકતાના સંદર્ભમાં એક અસરકારક વિધાન સમજવા જેવું છે: युद्ध तुम्हारे मन में है तो तुम्हें शस्त्र की नहीं शास्त्र की ज़रूरत है. મનુષ્ય મનમાં યુદ્ધના બીજ રોપાતા હોય છે અને પછી એ શારીરિક આક્રમણ કરવા સજ્જ થતો હોય છે. જોકે, એના મનને શાસ્ત્રોની મદદથી યુદ્ધ નિરર્થક છે એ સમજાવી શકાય તો યુદ્ધ ટાળી શકાય એ કહેવાનો આશય છે. યુદ્ધ સંબંધિત ગીત - કવિતા - વાર્તા લખાયા છે, પણ એ બધામાં કવિ પ્રદીપની 'અય મેરે વતન કે લોગોં' અજરામર છે. એ ગીતની અંતિમ કડી તો અનેક દેશવાસીઓના હૃદયમાં જડાઈ ગઈ હશે: जब अन्त समय आया तो, कह गये के अब मरते हैं, खुश रहना देश के प्यारों, अब हम तो सफ़र करते हैं, क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी ज़रा याद करो क़ुर्बानी. જો આ પંક્તિઓનું હાર્દ સમજાઈ જાય તો કદી યુદ્ધ ન થાય.