Tue Oct 20 2026

Logo

દીપડો નવ વર્ષના બાળકને ખેંચી ગયો,  ઝાડીઝાંખરામાં તે ઘાયલ અવસ્થામાં મળ્યો

2026-10-18 17:44:54
Author: Yogesh D. Patel
દીપડો નવ વર્ષના બાળકને ખેંચી ગયો,  ઝાડીઝાંખરામાં તે ઘાયલ અવસ્થામાં મળ્યો

ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં મંદિરે દર્શન કરવા જઇ રહેલા ભાવિકોના જૂથમાંથી નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને તેને ખેંચી દૂર લઇ ગયો હતો. સ્થાનિકોએ વ્યાપક શોધખોળ શરૂ કર્યા બાદ મધરાતે બાળક ઝાડીઝાંખરામાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો, જેને સારવાર માટે બાદમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હૈદરાબાદમાં રહેતો બાળક શનિવારે રાતે બલ્લારપુરથી ચંદ્રપુર સિટી તરફ માતા મહાકાળીના મંદિરે દર્શન કરવા જઇ રહેલા ભાવિકોના જૂથમાં સામેલ હતો.

વનવિભાગના અધિકારીએ કહ્યું હતું કે બાળક તેના પડોશી સાથે ચાલી રહ્યો હતો ત્યારે વિસાપુર ટોલ નાકા નજીક દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો અને તેને ખેંચીને દૂર લઇ ગયો હતો. ઘટનાની જાણ થયા બાદ સેંકડો લોકો પોલીસ અને વનવિભાગની શોધખોળમાં જોડાયા હતા અને મધરાતે બાળક ઝાડીઝાંખરામાં મળી આવ્યો હતો.

બાળકના ગળામાં ઊંડો ઘા હતો, જેને કારણે તે મદદ માટે બૂમો પાડી શક્યો નહોતો અને આસપાસ શોધ ચલાવી રહેલા લોકોનું તેના તરફ ધ્યાન ગયું નહોતું. ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાને શોધવા એ વિસ્તારમાં કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યા છે. (પીટીઆઇ)