(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સફાળેમાં નજીવા ઝઘડાને કારણે હથોડી ફટકારી મહિલાની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતાં પોલીસે જવ્હારમાં રહેતા બે આરોપીની ધરપકડ કરી હતી.
પાલઘર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સફાળે પોલીસની ટીમે તપાસ કરી પકડી પાડેલા આરોપીઓની ઓળખ નીલેશ ધર્માજી ચિભડે (35) અને ઉજ્વલા નવસુ ખુતાડે (33) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને 22 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સફાળેના ટેપાચા પાડા નજીકના એક બ્રિજ પાસેથી 15 ઑક્ટોબરે સજની વિનોદ વાઘરી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને સફાળેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.જોકે પોસ્ટમોર્ટમના અહેવાલમાં મહિલાના કાન પાછળ કોઈ ભારે વસ્તુ ફટકારવામાં આવી હોવાનું જણાયું હતું.
ભારે વસ્તુના પ્રહારને કારણે રક્તસ્રાવ થવાથી મહિલાનું મૃત્યુ થયું હોવાનું તબીબે અહેવાલમાં નોંધ્યું હતું. પરિણામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમ અને સફાળે પોલીસની ટીમ બનાવવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે નજીવા ઝઘડાને કારણે રોષ મનમાં ધરબી આરોપીએ મહિલાની હત્યા કરી હતી. માહિતીને આધારે પોલીસે જવ્હારના જામસારમાં રહેતા નીલેશ અને દાભોસામાં રહેતી ઉજ્વલાને તાબામાં લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં બન્નેએ ગુનો કબૂલતાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.