ભારતે વધુ પાંચ ગોલ્ડ જીતી લીધા, કુલ ચંદ્રકની સંખ્યા 35 ઉપર પહોંચી ગઈ
નાગોયાઃ ગયા મહિને જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સની તુલનામાં આ મહિનાની દિવ્યાંગ ઍથ્લીટો માટેની એશિયન પૅરા ગેમ્સ (Asian Para Games)માં ભારતીય સ્પર્ધકો મેડલ જીતવામાં શરૂઆતથી જ સપાટો બોલાવી રહ્યા છે અને સોમવારે ચાર ગોલ્ડ સહિત કુલ 11 ચંદ્રક જીત્યા બાદ મંગળવારે ભારતીયોએ વધુ પાંચ સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો અને સાંજ સુધીમાં ભારતના કુલ મેડલ (Medals)ની સંખ્યા નવ ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રૉન્ઝ સહિત કુલ 35 ઉપર પહોંચી ગઈ હતી અને ભારત ત્રીજા નંબરે હતું. પુરુષોની ડિસ્ક્સ થ્રોની હરીફાઈમાં તો ભારતીય સ્પર્ધકોએ કમાલ કરી હતી. ત્રણેત્રણ ચંદ્રક ભારતીયોએ જીતી લીધા હતા.
મેન્સ ડિસ્ક્સ થ્રોમાં એફ-44/64 કૅટેગરીમાં દેવેન્દર કુમારે ગોલ્ડ મેડલ, રાકેશે સિલ્વર મેડલ અને પરદીપ કુમારે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. દેવેન્દરે ડિસ્ક્સ 49.71 મીટર દૂર ફેંકીને સૌથી વધુ 781 પૉઇન્ટ મેળવ્યા હતા. રાકેશ (49.35 મીટર, 771 પૉઇન્ટ) બીજા ક્રમે અને પરદીપ (669 પૉઇન્ટ) ત્રીજા ક્રમે રહ્યો હતો.
`જમ્પિંગ કિંગ' નિશાદનો બીજો ગોલ્ડ
નિશાદ કુમાર એશિયન પૅરા ગેમ્સની એક જ સીઝનમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તેણે સોમવારે લાંબા કૂદકાની હરીફાઈમાં પહેલી વખત ભાગ લઈને 7.11 મીટર લાંબો કૂદકો મારીને ગોલ્ડ મેડલ જીતી લીધો ત્યાર પછી મંગળવારે તેણે 2.04 મીટર ઊંચો કૂદકો મારીને નવા એશિયન પૅરા ગેમ્સ રેકૉર્ડ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. નિશાદની પહેલાં 2022ના આ રમતોત્સવમાં રનર અંકુર ધામાએ અને શૂટર શીતલ દેવીએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા અને નિશાદ તેમની હરોળમાં આવી ગયો છે.
મંગળવારે ડિસ્કસ થ્રોમાં એફ-51/53 કૅટેગરીમાં ભારતનો પ્રણવ સૂરમા ચૅમ્પિયન બન્યો હતો. તેણે ડિસ્ક્સ 11.66 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જ હરીફાઈમાં ભારતનો રામ રતન સિંહ (10.35 મીટર) સિલ્વર મેડલ અને ઇરાનનો અલીરેઝા હેમામી (20.20 મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો.

ધ્વજવાહક સિમરન બની ચૅમ્પિયન
Warmest congratulations to Sonalben Patel on winning the #Bronze Medal in the Women’s Singles Class 3 Para Table Tennis event at the Asian Para Games 2026. Her remarkable drive and sportsmanship continue to elevate Indian para-table tennis on the global stage. #Cheer4Bharat #AsianParaGames2026
— Raksha Khadse (@khadseraksha) October 20, 2026
રવિવારે ઓપનિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક બનેલી જાણીતી રનર સિમરન શર્મા પાસે દેશના ખેલકૂદપ્રેમીઓને ઘણી અપેક્ષા હતી અને મંગળવારે તેણે એ અપેક્ષા પૂરી કરી હતી. તે આંખની આંશિક ક્ષતિ ધરાવતી ઍથ્લીટોની ટી-12 કૅટેગરીમાં 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી હતી. આ તેનો પ્રથમ એશિયન પૅરા ગેમ્સ ગોલ્ડ છે. સિમરન આ રેસ 24.80 સેકન્ડમાં પૂરું કરીને આ રમતોત્સવનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. હવે તે 400 મીટર દોડમાં પણ ગોલ્ડ જીતવા મક્કમ છે. મંગળવારે સવારે ભારતની દીપ્તિ જીવનજી 400 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતી હતી.

ત્રણ ગુજરાતી ઍથ્લીટો પણ જીતી મેડલ
મંગળવારની મહિલાઓની 200 મીટર દોડમાં સાબરકાંઠાના વિજયાનગર તાલુકાની તેજલબેન ડામોર બ્રૉન્ઝ મેડલ જીતી હતી. આંખની આંશિક ક્ષતિ ધરાવતી તેજલે આ દોડ 25.23 સેકન્ડમાં પૂરી કરી હતી. તે જરાક માટે સિલ્વર મેડલ ચૂકી ગઈ હતી. ઇરાનની હજર સફરઝાદે (25.02 સેકન્ડ) સિલ્વર જીતી હતી. ટેબલ ટેનિસમાં ભારતની ગુજરાતી ખેલાડીઓ ભાવિના પટેલ (ક્લાસ 4-5) બ્રૉન્ઝ મેડલ જીતી હતી. સેમિ ફાઇનલમાં તે ચીનની પૅરાલિમ્પિક ચૅમ્પિયન ઝાન્ગ બિયાન સામે 0-3થી પરાજિત થઈ હતી. સોનલબેન (ક્લાસ-થ્રી કૅટેગરી) નામની ખેલાડી સાઉથ કોરિયાની જિયુ યૂન સામે પરાજિત થતાં કાંસ્યચંદ્રક જીતી શકી હતી.
સ્વિમિંગમાં હિમાંશુ નંદાલ તથા નિરંજન મુકુન્દને ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યા હતા. હિમાંશુ જન્મથી જ જોઈ નથી શક્તો. તેણે 400 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં પાંચ મિનિટ અને 10.91 સેકન્ડના ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. શારીરિક ખામી ધરાવતો નિરંજન મુકુન્દન 200 મીટર ઇન્ડિવિજ્યૂઅલ મેડલીમાં બે મિનિટ અને 57.01 સેકન્ડના ટાઇમિંગ સાથે ત્રીજો આવતાં બ્રૉન્ઝ જીત્યો હતો.
પાવરલિફ્ટિંગમાં ભારતનો અશોક કુમાર 65 કિલો વર્ગમાં 192 કિલોના સૌથી વધુ વજન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
🥉 BRONZE FOR BHAVINA PATEL! 🇮🇳🏓 Bhavina Patel wins BRONZE in Women’s Singles Class 4–5 at the Asian Para Games 2026! 🇮🇳 She finishes on the podium after Bian Zhang 🇨🇳 wins the semifinal 11-7,11-5,11-7. #AsianParaGames2026 #BhavinaPatel #ParaTableTennis #TeamIndia #IndiaSportsHub
— IndiaSportsHub (@IndiaSportsHub) October 20, 2026