નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આજે લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી દરમિયાન સંસદ પરિસરમાં સુરક્ષામાં મોટી ચૂક જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સંસદના કેમ્પસમાં એક એવી શંકાસ્પદ ગાડી પ્રવેશી હતી જેની પાસે અધિકૃત પ્રવેશ પાસ નહોતો. વગર પાસની ગાડી દેખાતા જ સમગ્ર સંસદ સંકુલમાં સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે ત્યાં હાજર સાંસદો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. તુરંત જ સંસદના સુરક્ષાકર્મીઓએ સ્થિતિ સંભાળી લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે બંને ગૃહોની કાર્યવાહી ચાલી રહી હતી. વગર પાસની ગાડી અંદર સુધી કેવી રીતે પહોંચી તે પ્રશ્ને સુરક્ષા એજન્સીઓને ઝડપી લીધી હતી. ગાડી નજરે પડતા જ સુરક્ષાકર્મીઓએ તેને તુરંત અટકાવી દીધી હતી અને આખા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સાયરન વાગતાની સાથે જ ઓટોમેટિક બૂમ બેરિયર્સ સક્રિય થઈ ગયા હતા, જેના કારણે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. શરૂઆતી તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તે સમયે ફૂંકાયેલા તેજ પવનને કારણે બેરિયર્સ હલ્યા હતા અને તેના સેન્સર્સ સક્રિય થતા બૂમ બેરિયર્સ આપમેળે કાર્યરત થઈ ગયા હતા.
જોકે, રાહતની વાત એ રહી કે પ્રાથમિક તપાસ બાદ સ્થિતિ સામાન્ય જણાતી હતી અને કોઈ મોટું જોખમ હોવાનું સામે આવ્યું નથી. તેમ છતાં, સુરક્ષા એજન્સી આ મામલે ખૂબ જ ગંભીર છે અને તપાસ ચલાવી રહી છે કે આ ગાડી કોની હતી અને તે કયા સંજોગોમાં પાસ વગર સુરક્ષિત ઝોન સુધી પહોંચવામાં સફળ રહી.
હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર મોરચો સંભાળી લીધો છે અને સંસદની સુરક્ષામાં તૈનાત વિવિધ એજન્સી આ સમગ્ર ઘટનાક્રમનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ચૂક ન થાય.