નવો દિલ્હી: પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. લેન્ડ ફોર જોબ કેસમાં FIR રદ કરવાની માંગ કરતી લાલુ પ્રસાદ યાદની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, આ સાથે સુપ્રીમ કોર્ટે લાલુને આંશિક રાહત પણ આપી છે. તેમને લાલુને ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવાથી મુક્તિ આપી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન કોટિશ્વરની બેંચને જણાવ્યું હતું કે લાલુ યાદવને ટ્રાયલ કોર્ટની સુનવણી દરમિયાન હાજર રહેવાની જરૂર નથી. લાલુ યાદવ તરફથી દલીલ કરવામાં આવી કે CBIએ કેસ ચલાવવા માટે કોઈ કાયદાકીય મંજૂરી લીધી નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નીચલી કોર્ટમાં આ કેસ ચલાવી શકે છે. લાલુ પ્રસાદ તરફથી દલીલ કરવામાં આવી કે તેમના પરિવારના ઘણા સભ્યો સામે દાખલ કરવામાં આવેલી FIR રદ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે માંગ સ્વીકારી ન હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ આ અરજી નકારી કાઢી હતી.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ વર્ષ2004 થી 2009 દરમિયાન રેલ્વે પ્રધાન રહ્યા હતાં, આ દરમિયાન રાવલેના ગ્રુપ ડીમાં નિમણૂકોમાં ગેરરીતિ થઇ હોવાના આરોપ છે. લાલુ પર આરોપ છે કે નોકરીઓના બદલામાં ઉમેદવારો પાસેથી જમીન લેવામાં આવી હતી. આ કેસમાં લાલુ યાદવ ઉપરાંત તેમના પરિવારનાં સભ્યો રાબડી દેવી, મીસા ભારતી અને તેજસ્વી યાદવના નામ પણ આરોપી તરીકે સામેલ છે.
આરોપ મુજબ જેમની નિમણુક કરવામાં આવી હતી એ ઉમેદવારો લાલુ પ્રસાદ યાદવના મતવિસ્તારના હતા. EDએ 2023 માં જણાવ્યું હતું કે આ કેસમાં આશરે ₹600 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતાં.
જાન્યુઆરી 2026 માં, દિલ્હીની રાઉઝ એવન્યુ સ્પેશિયલ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે લાલુ યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોએ ગુનાહિત કામ કર્યું છે.