જયપુરઃ આઈપીએલ 2026માં પ્લેઑફની રેસ ખૂબ રોમાંચક બની છે. આ દરમિયાન રાજસ્થાન રૉયલ્સના કેમ્પમાં મોટી હલચલ થઈ હતી. ગુજરાત ટાઈટન્સ સામેના મહત્વના મુકાબલા પહેલા ટીમના નવા માલિક લક્ષ્મી મિત્તલે જયપુરમાં ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન મિત્તલે ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે સમય ગાળ્યો હતો. આ દરમિયાન તેમણે સૌથી વધારે વાતચીત કેપ્ટન રિયાન પરાગ અને સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે કરી હતી.
રાજસ્થાન રૉયલ્સની ફ્રેન્ચાઈઝીમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. લક્ષ્મી મિત્તલ અને તેના પુત્ર આદિત્ય મિત્તલના નેતૃત્વવાળું મિત્તલ પરિવાર ફ્રેન્ચાઈઝી ખરીદવાની પ્રક્રિયામાં છે. રિપોર્ટ પ્રમાણે આ ડીલ આશરે 15,660 કરોડ રૂપિયામાં થઈ છે. આ ટેકઓવરમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાની સીઈઓ અદાર પૂનાવાલા પણ સામેલ છે. આ કન્સોર્ટિયમ વર્તમાન માલિક મનોજ બદાલે અને અન્ય રોકાણકારો પાસેથી ફ્રેન્ચાઈઝી ખરીદી રહ્યા છે.
ડીલમાં માત્ર આઈપીએલ ટીમ જ નહીં પરંતુ રાજસ્થાન રૉયલ્સની સમગ્ર ક્રિકેટ ઈકોસિસ્ટમ સામેલ છે. તેમાં દક્ષિણ આફ્રિકાની પાર્લ રૉયલ્સ અને કેરેબિયન લીગના બાર્બાડોઝ રૉયલ્સ પણ સામેલ છે.
રિપોર્ટ્સ અનુસાર, 2026ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યારબાદ મિત્તલ પરિવાર પાસે ટીમનો 75 ટકા હિસ્સો હશે, જ્યારે અદાર પૂનાવાલા પોતાની પાસે આશરે 18 ટકા હિસ્સો રાખશે. બાકીનો 7 ટકા હિસ્સો મનોજ બદલે સહિતના હાલના શેરધારકો પાસે રહેશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં લક્ષ્મી મિત્તલ ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે ટીમના સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી. વીડિયોમાં મિત્તલ ખાસ કરીને યશસ્વી જયસ્વાલ સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા.
Lakshmi mittal arrived at sms jaipur and meet to jaiswal pic.twitter.com/WB3f0MCNDv
— Kamlesh Dhaker (@chill_guys22) May 8, 2026
કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મિત્તલ પરિવારે જયસ્વાલ સાથે વધુ સમય વિતાવ્યો હતો, જ્યારે કેપ્ટન રિયાન પરાગ સાથે તેમની વાતચીત ઓછી રહી હતી. જોકે, ટીમ કેમ્પમાં વાતાવરણ ઘણું સકારાત્મક જોવા મળ્યું હતું.
રાજસ્થાન રોયલ્સ હાલમાં પ્લેઓફની રેસમાં મજબૂતીથી ટકી રહી છે. ટીમે સીઝનની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લા પાંચ મેચોમાં તેનું પ્રદર્શન થોડું ડગમગ્યું છે. તેમ છતાં રાજસ્થાન રૉયલ્સ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત છે.
જો રાજસ્થાન શનિવારે ગુજરાત ટાઇટન્સ સામે મોટી જીત મેળવી લેશે, તો ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી શકે છે. આવી સ્થિતિમાં આ મુકાબલો ટીમ માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.