મુંબઈ: મહિલાઓના આર્થિક સશક્તિકરણને વધુ મજબૂત કરવા માટે 'લાડકી બહિણ' યોજનાને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માધ્યમથી મહિલાઓને વિવિધ વ્યવસાયો અને પ્રવૃતિ માટે લોન ઉપલબ્ધ કરી આપવામાં આવશે, તેવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને સબસિડીની સમીક્ષા કરતાં એવું જોવા મળ્યું છે કે, સામાન્ય લોન યોજનાઓનો ચુકવણી દર લગભગ ૫૦ ટકા છે. જોકે, સ્વ-સહાય જૂથો અથવા અન્ય માધ્યમો દ્વારા મહિલાઓને આપવામાં આવતી લોનનો ચુકવણી દર ૯૯ ટકાથી વધુ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, મહિલાઓમાં લોનનો યોગ્ય ઉપયોગ કરીને સક્ષમ અર્થતંત્ર ઊભું કરવાની ક્ષમતા રહેલી છે.
આ પૃષ્ઠભૂમિમાં, 'લાડકી બહિણ' યોજના હેઠળ ફક્ત મહિલાઓને નાણાકીય સહાય આપવાને બદલે, આ યોજનાને અન્ય સરકારી યોજનાઓ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંતર્ગત મુંબઈ બેંક દ્વારા મહિલાઓને કોઈપણ જામીન કે ગેરંટી વગર વિવિધ પ્રવૃત્તિઓ માટે વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે 'લાડકી બહિણ' યોજના અંતર્ગત સરકાર તરફથી મળતી આર્થિક મદદનો ઉપયોગ જ આ લોનની પુનઃચુકવણી માટે કરવામાં આવશે.