Thu Sep 03 2026

Logo

લદ્દાખના ઝોજિલામાં હિમસ્ખલન થતા સાતના મોત, શ્રીનગર-લેહ હાઇવે બંધ

2026-03-27 22:17:11
Author: Chandrakant Kanoja
લદ્દાખના ઝોજિલામાં હિમસ્ખલન થતા સાતના મોત, શ્રીનગર-લેહ હાઇવે બંધ

ઝોજિલા : લદ્દાખના ઝોજિલામાં શ્રીનગર-લેહ હાઇવે પર ભારે હિમસ્ખલન થતા સાત લોકોના મોત થયા છે.  જ્યારે પાંચ લોકો ઘાયલ  છે અને એક વ્યકિત ગુમ છે. આ ભારે હિમસ્ખલનના અનેક વાહનો દટાયા છે. તેમજ શ્રીનગર-લેહ હાઇવે  બંધ થયો છે. આ દુર્ઘટના બાદ વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ અંગે  પોલીસે જણાવ્યું હતું કે ઝોજિલા પાસના  ઝીરો પોઇન્ટ' પર એક પેસેન્જર વાહન હિમસ્ખલનમાં ફસાઈ જતાં ઓછામાં ઓછા સાત  લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે. આ ઉપરાંત વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે અચાનક ભારે હિમસ્ખલનમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ગુમ છે. તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

ડૉ.જિતેન્દ્ર સિંહે શોક વ્યક્ત કર્યો 

આ અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે એકસ હેન્ડલ પર જણાવ્યું હતું કે ઝોજીલા પાસે  હિમસ્ખલનમાં  સાત લોકોના દુઃખદ મૃત્યુ અને પાંચ અન્ય લોકોના ઘાયલ થવાના સમાચાર સાંભળીને  ખૂબ જ દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મુસાફરી કરતા વાહનો હિમસ્ખલનમાં ફસાયા

આ ઉપરાંત વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તેમણે પોલીસ, સેના, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO),SDRF અને સોનમર્ગ અને દ્રાસના જિલ્લા વહીવટીતંત્ર સાથે એક મોટું બચાવ કાર્ય શરૂ કર્યું છે. તેમજ રોડ  સાફ કરવા અને હિમપ્રપાતના કાટમાળમાં કોઈ ફસાયેલું છે કે કેમ તે શોધવા માટે કર્મચારીઓ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. પોલીસે અહેવાલ આપ્યો છે કે બપોર દરમિયાન દ્રાસમાં ઝોજિલા પાસ પર 'કેપ્ટન-ટર્ન' નજીક હાઇવે પર મુસાફરી કરતા વાહનો હિમસ્ખલનમાં ફસાયા હતા. 

મૃત્યુઆંક વધી શકે છે

જ્યારે દ્રાસના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિશાલ અત્રીએ પુષ્ટિ કરી  હતી કે આ દુ:ખદ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે હજુ પણ  કેટલાક વાહનો સંપૂર્ણપણે બરફમાં દટાયેલા છે.