ભુજ: રણપ્રદેશ કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લઇ લેતાં સમગ્ર પંથકમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. જળાશયોમાં પાણીનું સ્તર તળિયે પહોંચી જતાં તેમજ લખપત સહિતના છેવાડાના વિસ્તારોમાં પાક સુકાવાની સાથે માલધારીઓએ પશુધનને બચાવવા માટે હિજરત કરવાની નોબત આવતાં સમગ્ર કચ્છ પર દુષ્કાળનું ઘેરૂ સંકટ મંડરાઈ રહ્યું છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વાગડ પંથકમાં પડેલા વરસાદી ઝાપટાંએ સુકાતી ખેતીને નવજીવન આપવાની સાથે કચ્છીમાડુઓમાં સચરાચર વરસાદની નવી આશા જગાવી છે.
કચ્છમાં આ તારીખે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી રવિ-સોમવાર આસપાસ ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, ખાનગી હવામાન મોડેલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની સંભાવના હોઈ, આગામી ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર કચ્છમાં આશાસ્પદ વરસાદી માહોલ છવાયેલો રહેશે.
વાગડમાં વરસાદી ઝાપટાં
તાજેતરમાં રાપર તાલુકાના રાસાજી ગઢડા તેમજ પ્રાંથળના બાલાસર, લોદ્રાણી અને નાગપુર સહિતના ગામોમાં સાંજના સમયે પવન સાથે જોરદાર ઝાપટાં વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ખાસ કરીને નર્મદાના નીરથી વંચિત એવા વાગડના વરસાદ આધારિત વિસ્તારમાં આ ઝાપટાંથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
ઉકળાટનો અનુભવ
હાલમાં અંજાર, ગાંધીધામ, ભુજ અને કંડલા પંથકમાં મહત્તમ તાપમાન ૩૪.૬થી ૩૫.૪ ડિગ્રી સે. વચ્ચે રહેતાં આકરો ઉકળાટ અનુભવાઈ રહ્યો છે, ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ કચ્છ માટે લાભકર્તા સાબિત થાય અને પાછોતરો મેઘરાજા સમગ્ર જિલ્લાનું ચિત્ર બદલી નાખે તેવી ચોમેર પ્રાર્થના લોકમુખે થઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)